WPL 2023: રૂ. 4670 કરોડમાં વેચાઈ મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમો

મુંબઈઃ ક્રિકેટમાં 25 જાન્યુઆરીનો દિવસ ઐતિહાસિક છે, કેમ કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની મહિલા T20 લીગ માટે લાગેલી બોલીએ મેન્સ IPLના ઉદઘાટન સીઝનનો રેકોર્ડ તોડી દીધો હતો. મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમો રૂ. 4669.99 કરોડ (આશરે રૂ. 4670 કરોડ)માં વેચાઈ હતી. આ પાંચ ટીમો અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને લખનૌની હશે. BCCIના સચિવ જય શાહે આ સંબંધમાં સિલસિલાબંધ અનેક ટ્વીટ કરીને એ માહિતી આપી હતી.

વર્ષ 2008માં IPLની આઠ ટીમો (આગામી 10 વર્ષ માટે)  723.59 મિલિયન ડોલર (આશરે રૂ. 5905 કરોડ)માં વેચાઈ હતી. જોકે વર્ષ 2008માં એક અમેરિકી ડોલર ભારતમાં કિંમત આશરે રૂ. 44 હતી. એ હિસાબે પુરુષ IPLની આઠ ટીમ રૂ. 3185 કરોડમાં વેચાઈ હતી.

જય શાહે ટ્વીટમાં લખ્યું હતું કે ક્રિકેટમાં આજે ઐતિહાસિક દિવસ છે, કેમ કે WPLના ઉદઘાટન સીઝન માટે લાગેલી ટીમોની બોલી 2008માં મેન્સ IPLના ઉદઘાટન સીઝનના રેકોર્ડ તોડી દીધા હતા. વિજેતાઓને શુભેચ્છાઓ. અમે કુલ બોલીમાં રૂ. 4669.99 કરોડ હાંસલ કર્યા હતા. એ મહિલા ક્રિકેટમાં એક ક્રાંતિના પ્રારંભનું પ્રતીક છે.

એક અન્ય ટ્વીટમાં શાહે લખ્યું હતું કે એ ન માત્ર અમારી મહિલા ક્રિકેટર્સ બલકે ખેલાડીઓમાં એક પરિવર્તનકારી યાત્રાનો માર્ગ કંડારે છે. વુમન્સ પ્રીમિયર લીગ મહિલા ક્રિકેટમા જરૂરી સુધારા લાવશે. એક સર્વવ્યાપક પરિસ્થિતિ તંત્ર સુનિશ્ચિત કરશે, જે દરેક હિતધારકને લાભાન્વિત કરશે. BCCIએ આ લીગનું નામ મહિલા પ્રીમિયર લીગ રાખ્યું છે. એ સફરનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

અદાણી ગ્રુપે મહિલા પ્રીમિયર લીગની એક ટીમ ( 10 વર્ષ માટે) ખરીદીને સૌથી વધુ રૂ. 1289 કરોડની બોલી લગાવી હતી. આ સિવાય મુંબઈ ઇન્ડિયન્સે રૂ. 912.99 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રૂ. 901 કરોડ, દિલ્હી કેપિટલ્સે રૂ. 810 કરોડ અને કેપ્રિએ રૂ. 757 કરોડની બોલી લગાવી હતી.