મહિલા વિશ્વ કપઃ સૌપ્રથમ વાર 10 વિકેટ સ્પિનર્સે લીધી

નવી દિલ્હીઃ મહિલા વિશ્વ કપમાં બંગલાદેશ અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે બહુ મજેદાર મેચ થઈ. આ લો સ્કોરિંગ મેચમાં છેલ્લી ઓવર સુધી કહેવું મુશ્કેલ હતું કે મેચ કોણ જીતશે? છેલ્લી ઓવરમાં બંગલાદેશને આઠ રન બનાવવાના હતા, પણ ત્રણ બોલ પહેલાં વેસ્ટ ઇન્ડીઝે ચાર રનથી મેચ જીતી લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝની ત્રણ સ્પિનર્સ હેલે મેથ્યુઝ, એફી ફ્લેચર અને સ્ટેફની ટેલરે કુલ 73 રન આપીને 10 વિકેટ પોતાને નામ કરી હતી. મહિલા વિશ્વ કપમાં આ પહેલો પ્રસંગ હતો કે બધી 10 વિકેટ સ્પિનર્સે લીધી હતી.

આ જીતથી વેસ્ટ ઇન્ડીઝની ટીમ ICC વીમેન્સ વર્લ્ડ કપની પોઇન્ટસના ટેબલમાં ત્રીજા ક્રમાંકે પહોંચી હતી, જ્યારે મિતાલી રાજની આગેવાનીવાળી ભારતીય ટીમ ક્રિકેટ ટીમના ચોથા ક્રમાંકે સરકી હતી. વેસ્ટ ઇન્ડીઝની આ પાંચ મેચોમાં ત્રીજી જીત હતી. જ્યારે બંગલાદેશને ચાર મેચમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો.

ન્યુ ઝીલેન્ડના માઉન્ટ માઉંગાનુઈ સ્થિત ઓવલ સ્ટેડિયમમાં રમાયેલી ટુર્નામેન્ટની 17મી મેચમાં બંગલાદેશની કેપ્ટન નિગાર સુલતાનાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમે પહેલાં બેટિંગ કરતાં 50 ઓવરમાં નવ વિકેટે 140 રન બનાવ્યા હતા, જ્યારે બંગલાદેશની ટીમ 49.3 ઓવરમાં 136 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.

કેરેબિયન ટીમની જીતમાં સ્પિનર્સની મહત્ત્વની ભૂમિકા હતી. ઓફ સ્પિનર હેલી મેથ્યુઝે 10 ઓવરમાં 15 રન આપીને ચાર વિકેટ લીધી હતી. લેગ સ્પિનર એફી ફ્લેચરે 10 ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ઓફ સ્પિનર સ્ટેફની ટેલરે 9.3 ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.