ભારતીય મહિલા ક્રિકેટરોને મળી સર રિચર્ડસની સાંત્વના

નવી દિલ્હીઃ મહિલા વર્લ્ડ કપ જીતવાનું હરમનપ્રીત કોરની ભારતીય ટીમનું સપનું ફાઈનલમાં મળેલી હારની સાથે જ તૂટી ગયું. ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે 85 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ જીતની સાથે જ ઓસ્ટ્રેલિયાએ પાંચમીવાર મહિલા ટી-20 વર્લ્ડ કપ પ્રાપ્ત કર્યો અને ટીમ ઈન્ડિયાને નિરાશ થવું પડ્યું. ટૂર્નામેન્ટમાં ફાઈનલ પહેલા જે પ્રકારે પ્રદર્શન કર્યું હતું, તે જોતા દરેક વ્યક્તિને આશા હતી કે ટીમ ઈન્ડિયા જીતશે.

ટૂર્નામેન્ટના પોતાની શરુઆતી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પણ હતા પરંતુ ફાઈનલમાં ભારતીય ટીમ ઓછી જોશમાં હોય તેવું લાગ્યું. એમસીજી પર થયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 184 રનનો મોટો સ્કોર બનાવ્યો અને પછી ભારતીય ટીમને 99 રન પર ઢેર કરી હતી. ફાઈનલમાં ભારતીય ટીમ હારી જરુર પરંતુ તેણે ઓવરઓલ પોતાના પ્રદર્શનથી દરેકને પ્રભાવિત કર્યા છે. રિચર્ડ્સ અને સચિન તેંડુલકર સહિત ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ ભારતીય ટીમના વખાણ કર્યા.

વેસ્ટ ઈન્ડિઝના સર વિવિયન રિચર્ડ્સે પોતાના ટ્વીટમાં ભારતીય મહિલા ટીમને સંબોધિત કરતા લખ્યું કે, ક્યારેય હિંમત ગુમાવશો નહી. તમે ખૂબ સરસ રીતે રમ્યા છો અને એક દિવસ એવો આવશે કે જ્યારે તમારા હાથમાં પણ ટ્રોફી હશે. પોતાના પર વિશ્વાસ રાખો. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે મહિલા ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને શુભેચ્છાઓ આપતા ટીમ માટે લખ્યું કે, ભારતીય ટીમના પ્રદર્શન પર ગર્વ છે.

પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરે પણ ભારતીય ટીમને હિંમત ન આપવા વિશે કહ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, કેટલાક વર્ષ પહેલા સુધી કોઈને પણ કલ્પના નહોતી કે એક અબજથી વધારે વસ્તી વાળા દેશની નજર મહિલા ક્રિકેટ વર્લ્ડકપ પર આ રીતે કેન્દ્રીત થઈ જશે. કપ આવશે અને જશે પરંતુ આજે એ દરેક ભારતીય છોકરીની જીત થઈ છે કે જેણે તમામ વિષમ પરિસ્થિતીમાં અને સામાજિક બંધનો વિરુદ્ધ સાહસ દેખાડ્યું છે.