કોહલીને PoKની T20-શ્રેણીમાં રમવાનું આમંત્રણ આપવાની વિચારણા

મુંબઈઃ ભારત સાથે દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો પૂર્વવત્ કરવા માટે પાકિસ્તાન ખૂબ પ્રયાસો કરી રહ્યું છે. ભારત, પાકિસ્તાન અને એક અન્ય દેશના સમાવેશવાળી એક ટ્રાયેન્ગ્યુલર ક્રિકેટ શ્રેણી યોજવાનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચેરમેન રમીઝ રાજાએ ભારત સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે ત્યારે પાકિસ્તાનના અન્ય ભૂતપૂર્વ કેપ્ટન રશીદ લતીફ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK)માં એક T20 સીરિઝ (કશ્મીર પ્રીમિયર લીગ)માં રમવા માટે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને બેટિંગ સુપરસ્ટાર વિરાટ કોહલીને આમંત્રણ આપવા વિચારે છે.

લતીફને PoK ટુર્નામેન્ટના ડાયરેક્ટર (ક્રિકેટ ઓપરેશન્સ) નિયુક્ત કરવામાં આવ્યા છે. આ શ્રેણીની દ્વિતીય આવૃત્તિમાં રમવા માટે વિરાટ કોહલીને આમંત્રણ આપવું જોઈએ એવા ટુર્નામેન્ટના પ્રમુખ આરીફ મલિકના સૂચનને લતીફે ટેકો આપ્યો છે. પાકિસ્તાનના ‘ડોન’ અખબારે એક અહેવાલમાં લતીફને એવું કહેતા ટાંક્યા છે કે, ‘અમારે વિરાટ કોહલીને આમંત્રણ મોકલવું જોઈએ, પરંતુ રમવું કે નહીં એ નિર્ણય કોહલીએ લેવાનો રહેશે. મેં અધિકારીઓને સલાહ આપી છે કે આપણે પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમવા માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સહિત તમામ દેશોના ક્રિકેટ બોર્ડને આમંત્રણ મોકલવું જોઈએ.’ આરીફ મલિકે એવી પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે કોહલી ભલે ખેલાડી તરીકે PoKમાંની શ્રેણીમાં ન રમે, પરંતુ એક મહેમાન તરીકે ટુર્નામેન્ટમાં હાજરી આપવા આવે. પાકિસ્તાન સુપર લીગ ટુર્નામેન્ટ ભારતની આઈપીએલ ટુર્નામેન્ટની જેમ દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાય છે. 2015ની સાલથી રમાતી આ સ્પર્ધામાં હાલ છ ટીમ રમે છે.

ભારતના પુરુષ ક્રિકેટરોને આઈપીએલ સિવાય બીજી કોઈ પણ લીગ ક્રિકેટમાં રમવાની ભારતીય ક્રિકેટ બોર્ડે પરવાનગી આપી નથી. ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ રમાય છે તો કેરિબીયન ધરતી પર કેરિબીયન પ્રીમિયર લીગ, પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ, બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ વગેરે ટુર્નામેન્ટ રમાય છે. બીસીસીઆઈએ જોકે હરમનપ્રીતકૌર, સ્મૃતિ મંધાના, દીપ્તી શર્મા જેવી સ્ટાર મહિલા ક્રિકેટરોને બિગ બેશ લીગમાં રમવાની પરવાનગી આપી છે.