દુબઈઃ T20 વર્લ્ડ કપમાં પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનના હાથે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. વિશ્વ કપના ઇતિહાસમાં પાકિસ્તાનને હાથે ભારતે સૌપ્રથમ વાર હાર મળી છે. T20 વર્લ્ડ કપ મેચમાં ટીમ ઇન્ડિયાની પહેલી મેચ પછી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કેપ્ટન વિરાટ કોહલીની ચિંતા વધારી દીધી છે. ભારતને પંડ્યાના રૂપે મોટો આંચકો લાગી શકે છે. પાકિસ્તાન સામેની મેચ પત્યા પછી પંડ્યાને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પંડ્યા આમે ઇજાને કારણે પાકિસ્તાન સામે ફિલ્ડિંગ કરવા મેદાન પર નહોતો ઊતર્યો અને તેની જગ્યાએ ઇશાન કિશન મેદાન પર ઊતર્યો હતો. પંડ્યાની ઇજા કેટલી ગંભીર છે એ તો જાણી નથી શકાયું, પણ સાવચેતીરૂપે તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. એટલે હવે હાર્દિકનું રમવું T20 વર્લ્ડ કપની બાકીની મેચોમાં રમવું શંકાસ્પદ છે.
હાર્દિક પંડ્યાને બેટિંગ વખતે જમણા ખભામાં ઇજા થઈ હતી. પંડ્યાએ પાકિસ્તાન સામે 11 રન બનાવ્યા હતા. હવે પછીની મેચ 31 ઓક્ટોબરે ન્યુ ઝીલેન્ડ સામે રમાવાની છે. પંડ્યાની ઇજાએ ભારતનું ટેન્શન વધારી દીધું છે. પંડ્યાની ફિટનેસને લઈને પહેલેથી ટીમ ઇન્ડિયા ચિંતામાં હતી, કેમ કે તે ઘણા વખતથી બોલિંગ નથી કરી રહ્યો.
પંડ્યા પીઠદર્દથી પણ વિચલિત છે, પણ હાલ સ્થિતિ પહેલાં કરતાં સારી છે. જોકે તેણે કહ્યું હતું કે તે હાલ બોલિંગ નહીં કરે. તે નોકઆઉટ મેચ નજીક આવ્યા પછી બોલિંગ કરવા ઇચ્છે છે. બોલિંગ કરવા મુદ્દે તેની અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે લાંબી વાતચીત થઈ છે. વિરાટ કોહલીએ પણ કહ્યું હતું કે ટુર્નામેન્ટમાં ક્યાંય પણ તે પંડ્યાનો ઉપયોગ બોલિંગ માટે જરૂરપડ્યે કરશે.