‘ભારત ખેલકૂદપ્રધાન દેશ નથી’: સાનિયા મિર્ઝા-મલિકને અફસોસ

હૈદરાબાદઃ ભારતની દંતકથા સમાન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા-મલિકે એવો અફસોસ વ્યક્ત કર્યો છે કે આપણો દેશ ખેલકૂદપ્રધાન નથી.

જિયોસિનેમા ઓરિજિનલ શો ‘હોમ ઓફ હિરોઝ’ પર દેશની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિ સાથેના ઈન્ટરવ્યૂમાં સાનિયાને પૂછવામાં આવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે આપણો દેશ કઈ રીતે સારી પ્રગતિ કરી શકે? ત્યારે એના જવાબમાં હૈદરાબાદનિવાસી સાનિયાએ કહ્યું હતું કે, ‘આપણો દેશ રમતગમત પ્રતિ પોતાનો સમગ્ર દ્રષ્ટિકોણ બદલે, ખેલકૂદ ક્ષેત્રે ધરખમપણે ઈન્વેસ્ટમેન્ટ કરે અને બાળકોનું નાની વયથી જ પોષણ કરતી કોઈ પ્રણાલી અમલમાં મૂકાય તો જ આપણે કંઈક પ્રગતિ કરી શકીશું. આપણો દેશ ખેલકૂદપ્રધાન નથી. આપણે ઓલિમ્પિક્સના ચાર મહિના પૂર્વે કે ગેમ્સ પૂરી થાય એના ચાર મહિના પછી ખેલકૂદપ્રધાન બની શકીએ નહીં. આપણો દેશ ક્રિકેટપ્રધાન છે. એટલે હું આવું કહું તેને લોકો પસંદ નહીં કરે. પરંતુ આ હકીકત છે. તમે ઓસ્ટ્રેલિયા જશો તો તમને જણાશે કે તે ખેલકૂદપ્રધાન દેશ છે. ત્યાં તમને ઘણી બધી રમતો રમાતી જોવા મળશે અને તે પણ ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં.’

‘તદુપરાંત, મારું એવું માનવું છે કે આપણી પાસે પાત્રતા ધરાવતા કોચ અને ટ્રેનર હોય તે ઘણું મહત્ત્વનું છે. પછી ભલે તમે એ કોઈ બીજા દેશમાંથી લઈ આવો. મૂળ વાત છે, આપણા લોકોને ઉચિત તાલીમ આપવાની’, એમ સાનિયાએ વધુમાં કહ્યું.

સાનિયા મિર્ઝા પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકને પરણી છે અને તેમને એક પુત્ર છે. તેઓ દુબઈમાં રહે છે.