‘તિલક વર્મા દેશની ODI ટીમમાં સ્થાન મેળવવાને પાત્ર’

મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વાસીમ જાફરનું કહેવું છે કે આગામી એશિયા કપ અને ત્યારબાદ આ જ વર્ષમાં રમાનાર વર્લ્ડ કપ પૂર્વે દેશની વન-ડે ઈન્ટરનેશનલ માટેની ટીમમાં ડાબોડી યુવા બેટર તિલક વર્માને સામેલ કરવો જોઈએ. આંધ્ર પ્રદેશના ગુન્ટૂરમાં જન્મેલો અને 20 વર્ષની વયનો તિલક વર્મા વેસ્ટ ઈન્ડિઝ સામે હજી તો પોતાની કારકિર્દીની પહેલી જ શ્રેણી રમી રહ્યો છે અને તેમાં એની બેટિંગમાં મેચ્યોરિટી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો છે. જાફરનું વધુમાં કહેવું છે કે, ‘પહેલી જ શ્રેણીમાં તિલક વર્માના મેચ્યોર બેટિંગ દેખાવ, ટીમ માટે મુશ્કેલ પરિસ્થિતિમાં ક્રીઝ પર ટકી રહેવાની તેની ક્ષમતા, બેટિંગ માટે મુશ્કેલ પિચ પર અને પરિસ્થિતિમાં પણ એણે કેરિબિયન બોલરોનો જે રીતે સામનો કર્યો છે તે પ્રશંસનીય છે.’

હાલની ટ્વેન્ટી-20 શ્રેણીમાં તિલક વર્મા ભારત વતી ટોપ સ્કોરર રહ્યો છે. એણે ત્રણ મેચમાં 69.50ની સરેરાશ સાથે કુલ 139 રન કર્યા છે. તેણે એક અડધી સદી પણ ફટકારી છે. બીજી મેચમાં તેણે 41 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રન કર્યા હતા. પહેલી મેચમાં એણે 22 બોલમાં બે ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી 39 રન કર્યા હતા. ગઈ કાલની ત્રીજી મેચમાં વર્માએ 37 બોલમાં, ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 49 રન કર્યા હતા અને ટોપ સ્કોરર સૂર્યકુમાર યાદવ (83)ને સાથ આપ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. એના જોરે ભારત ત્રીજી મેચ 7-વિકેટથી જીતવામાં સફળ રહ્યું હતું. બંને ટીમ વચ્ચે પાંચ-મેચોની શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની સરસાઈ ઘટીને 2-1 થઈ છે. બંને ટીમના ખેલાડીઓ હવે અમેરિકા જશે અને ત્યાં ફ્લોરિડા રાજ્યના લોડરહિલમાં ચોથી (12 ઓગસ્ટે) અને પાંચમી મેચ (13 ઓગસ્ટે) રમશે.

જાફરનું કહેવું છે કે, ‘પહેલી ત્રણ મેચમાં તિલકની બેટિંગમાં મેચ્યોરિટી, સાતત્ય અને સ્ટ્રોકપ્લેની આવડત જોવા મળી છે. કપરા સંજોગોમાં એને આક્રમક બેટિંગ કરતો જોવામાં ખૂબ જ મજા આવે છે. હરીફ ટીમની બોલિંગને એ ક્રીઝ પર આવતાવેંત બીજા કે ત્રીજા બોલથી જ ઝૂડવાનું શરૂ કરી દે છે.’