દિલ્હી ટેસ્ટ: પ્રથમ દિવસે ભારતની મજબૂત સ્થિતિ, કોહલી-મુરલીએ સદી ફટકારી

નવી દિલ્હી- યજમાન ભારત અને પ્રવાસી ટીમ શ્રીલંકા વચ્ચે અહીંના ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે 42 રનના સ્કોરે ટીમ ઈન્ડિયાએ શિખર ધવનના રુપમાં પ્રથમ વિકેટ અને 78 રનનાં સ્કોરે પુજારાના રુપમાં બીજી વિકેટ ગુમાવતાં ટીમ ઈન્ડિયા સારી શરુઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શકી ન હતી.

જોકે ત્યારબાદ મુરલી વિજય અને વિરાટ કોહલીએ વધુ કોઈ નુકસાન કર્યા વગર 283 રનની ભાગીદારી નોંધાવી ટીમનો સ્કોર 361 રન સુધી પહોંચાડી દીધો હતો. દિવસના અંતે ભારતનો સ્કોર 90 ઓવરના અંતે 4 વિકેટે 371 રન થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી 156* અને રોહિત શર્મા 6* રને રમતમાં છે.

આ પહેલા મુરલી વિજયે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં સતત બીજી મેચમાં સદી ફટકારી હતી. જ્યારે વિરાટ કોહલીએ હોમગ્રાઉન્ડ પર પ્રથમ સદી ફટકારી હતી. ત્રીજી મેચ માટે ટીમ ઈન્ડિયામાં બે બદલાવ કરવામાં આવ્યા હતા. જેમાં ઉમેશ યાદવના સ્થાને મોહમ્મદ શમી અને કે.એલ. રાહુલના સ્થાને શિખર ધવનનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિખર ધવન તેને મળેલી તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો અને 23 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે મુરલી વિજયે શાનદાર પ્રદર્શનને આગળ વધારતા સતત બીજી મેચમાં સદી ફટકારી હતી.

ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ તેની ટેસ્ટ કારકિર્દીના 5 હજાર રન પૂરા કર્યા છે. આ સિદ્ધી મેળવનારો કોહલી 11મો ભારતીય ખેલાડી બન્યો છે. વિરાટ કોહલી અને મુરલી વિજય વચ્ચે ત્રીજી વિકેટ માટે 283 રનની ભાગીદારી નોંધાઈ હતી. વિરાટ કોહલી અને મુરલી વિજય બંનેએ વ્યક્તિગત 150 રનનો સ્કોર પુરો કર્યો હતો. મુરલી વિજય 155 રન કરી આઉટ થયો હતો.

જોકે ત્યારબાદ મેદાન પર આવેલો અજિંક્ય રહાણે કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. હજી મેચમાં ચાર દિવસ બાકી હોવાથી અને પ્રથમ દિવસના અંતથી જ ટીમ ઈન્ડિયા ડ્રાઈવિંગ સીટ પર હોવાથી તેની પાસે મેચ જીતવાની પુરી તક રહેલી છે.