ફરી ગર્જ્યું કોહલીનું બેટ; તોડ્યો લારાનો રેકોર્ડ

ભારતનો ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા અમુક વર્ષોથી દેશ કે વિદેશમાં કોઈ પણ મેદાન પર બેટિંગમાં છવાઈ જતો જોવા મળ્યો છે, પણ હોમગ્રાઉન્ડ નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર એણે અમુક વિશેષ કમાલ કરી બતાવી છે.

શ્રીલંકા સામે અહીં ત્રીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. કોહલીએ શ્રીલંકાના બોલરોની ધુલાઈ કરીને રવિવારે મેચના બીજા દિવસે ભારતના પહેલા દાવમાં રમતાં પોતાની કારકિર્દીની એક વધુ ડબલ સેન્ચુરી ફટકારી દીધી. 243 રન. આ ડબલ સેન્ચુરી, જે કોહલીની કારકિર્દીની છઠ્ઠી બેવડી સદી છે, એ ફટકારતી વખતે એણે અમુક વિક્રમો કર્યા છે. જેમકે ટેસ્ટ ક્રિકેટમાં છ-છ ડબલ સેન્ચૂરી ફટકારનાર કોહલી દુનિયાનો પહેલો કેપ્ટન બન્યો છે.

આજે કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારાનો રેકોર્ડ તોડ્યો છે, જેણે કેપ્ટન તરીકે પાંચ ડબલ સેન્ચુરી ફટકારી હતી. હવે એ રેકોર્ડ કોહલીના નામે થઈ ગયો છે.

ટેસ્ટ ક્રિકેટમાં બેક-ટુ-બેક ડબલ સેન્ચુરી ફટકારવામાં વિનોદ કાંબલી બાદ કોહલી બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. કાંબલીએ 1993માં ઈંગ્લેન્ડ સામે (મુંબઈમાં 224) અને ઝિમ્બાબ્વે સામે (દિલ્હીમાં 227) એ સિદ્ધિ હાંસલ કરી હતી. કોહલીએ નાગપુરમાં રમાઈ ગયેલી બીજી ટેસ્ટમાં 213 રન કર્યા હતા. એ મેચમાં ભારત એક દાવ અને 239 રનથી વિજયી થયું હતું.

કોહલી હવે દંતકથાસમાન સચીન તેંડુલકર અને વિરેન્દર સેહવાગની હરોળમાં સામેલ થયો છે.

ભારત વતી સૌથી વધારે – છ ડબલ સેન્ચુરી કરનાર તેંડુલકર અને સેહવાગની સાથે કોહલી જોડાઈ ગયો છે.

63મી ટેસ્ટ મેચ રમતા કોહલીએ આજે 238 બોલમાં પોતાની છઠ્ઠી ડબલ સેન્ચુરી પૂરી કરી હતી.

29 વર્ષીય કોહલીએ આજે એના 200 રન પૂરા કર્યા ત્યારે એમાં 20 ચોગ્ગા સામેલ હતા.

કોહલી અંતે વ્યક્તિગત 243 રન કરીને આઉટ થયો હતો. એણે કુલ 287 બોલનો સામનો કર્યો હતો જેમાં કુલ 25 ચોગ્ગા હતા. ડાબોડી ચાઈનામેન બોલર લક્ષણ સાંદકનની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થતાં કોહલીની વૈભવી ઈનિંગ્ઝનો અંત આવી ગયો હતો. આ તેની કારકિર્દીનો શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર બન્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ડબલ સેન્ચુરી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં કોહલીએ છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. આ યાદી પર તેની આગળ રહેલા બેટ્સમેનો છેઃ સર ડોનાલ્ડ બ્રેડમેન-ઓસ્ટ્રેલિયા (12), કુમાર સાંગકારા-શ્રીલંકા (11), બ્રાયન લારા-વેસ્ટ ઈન્ડિઝ (9), વોલી હેમંડ-ઈંગ્લેન્ડ (7), મહેલા જયવર્દને-શ્રીલંકા (7).

સતત બે કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં 1000થી વધારે રન કરવામાં પણ કોહલી પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે.

કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 5,000 ક્લબમાં સામેલ થયો છે. 5000 રન કરનાર ભારતીય ખેલાડીઓમાં કોહલી ત્રીજા નંબરે છે. સુનીલ ગાવસકરે 53 ટેસ્ટ મેચોમાં તો સેહવાગે 59 મેચોમાં 5000 રન પૂરા કર્યા હતા. સચીન તેંડુલકરે 5000 રન પૂરા કરવા માટે 67 મેચ લીધી હતી.

ભારત વતી ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન કરનાર બેટ્સમેનોઃ સુનીલ ગાવસકર, સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરેન્દર સેહવાગ, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, દિલીપ વેંગસરકર, મોહમ્મદ અઝહરુદ્દીન, ગુંડપ્પા વિશ્વનાથ, કપિલ દેવ અને હવે વિરાટ કોહલી.

કોહલી જે 63 ટેસ્ટ મેચ રમ્યો છે એમાં 32 મેચ ઘરઆંગણે અને 31 વિદેશની ધરતી પર રમ્યો છે.

કોહલીની આ 52મી ઈન્ટરનેશનલ સદી થઈ છે. આમાં 20 ટેસ્ટ સદી છે. વન-ડે ક્રિકેટમાં કોહલી 202 મેચોમાં 9030 રન કરી ચૂક્યો છે જેમાં 32 સદી અને 45 અડધી સદી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]