પૂજારાને કેન્દ્રીય કોન્ટ્રાક્ટ્સમાં ટોપ ગ્રેડમાં જ રાખવાની શાસ્ત્રીની ભલામણ

નવી દિલ્હી – ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA) જ્યારે નવા વેતન માળખાના આધાર પર કેન્દ્રીય કોન્ટ્રાક્ટ્સમાં ફેરફાર કરે ત્યારે ટેસ્ટ ક્રિકેટના સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારાને ટોપ ગ્રેડમાં જ રાખવો જોઈએ.

પૂજારા હાલ કેપ્ટન વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, રવિચંદ્રન અશ્વિન, અજિંક્ય રહાણે અને મુરલી વિજયની સાથે કેન્દ્રીય કોન્ટ્રાક્ટ્સમાં ગ્રેડ-Aમાં છે.

એક કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીએ જણાવ્યું કે ચેતેશ્વર પૂજારા જેવા ખેલાડીને કેન્દ્રીય કોન્ટ્રાક્ટમાં ટોપ ગ્રેડમાં જ રાખવામાં આવે એ ખૂબ મહત્વનું છે.

ઉલ્લેખનીય છે કે, ખેલાડીઓના મળતા વેતનમાં વધારો કરવા તેમજ ટીમના ભાવિ પ્રવાસ તથા કાર્યક્રમોના કેલેન્ડર વિશે ચર્ચા કરવા માટે કોહલી, ધોની અને શાસ્ત્રી CoA વિનોદ રાયને મળ્યા હતા.

બીસીસીઆઈના વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે કોઈ ચોક્કસ કેલેન્ડર વર્ષમાં તમામ ફોર્મેટ્સમાં ખેલાડીઓ સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચોમાં રમે એના આધારે એમનો ગ્રેડ નક્કી કરવામાં આવશે.

પૂજારા ભારતની ટેસ્ટ ટીમના મહત્વના ખેલાડીઓમાંનો એક છે. એ બીજી કોઈ ફોર્મેટની મેચોમાં રમતો નથી અને કમનસીબે એને આઈપીએલમાં પણ કોઈ કોન્ટ્રાક્ટ મળતો નથી.

શાસ્ત્રીએ ટીમની હાલની સફળતામાં ધોની અને કોહલી વચ્ચે આદરપૂર્ણ સંબંધ કેવો કારણરૂપ બની રહ્યો એ વિશે ચર્ચા કરી હતી. શાસ્ત્રીએ કહ્યું કે, મેં ક્યારેય ધોનીને એનું મગજ ગુમાવતો જોયો નથી. ધારો કે એને ગુસ્સો ચડ્યો હોય તો માંડ 10 સેકંડ માટે. કોહલી હજી પણ પ્રગતિશીલ છે, પણ એને મેચ્યોર તો કહેવો જ પડે. ધોની અને કોહલી વચ્ચે સંબંધ બગડ્યા હોવાના ઘણા અહેવાલો મેં વાંચ્યા છે, પણ એ કોઈ સાચા નથી. એ બંનેને એકબીજા પ્રત્યે કેટલો આદર છે એ મેં મારી નજરે જોયું છે.