મીરાબાઈ ચાનૂએ વેઈટલિફ્ટિંગ વિશ્વ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

એનહેમ (અમેરિકા) – મીરાબાઈ ચાનૂ વિશ્વ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતનાર બે દાયકામાં પહેલી ભારતીય મહિલા વેઈટલિફ્ટર બની છે. એણે આ સિદ્ધિ અહીં રમાતી વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં હાંસલ કરી છે.

આ જ ચાનૂએ રિયો ઓલિમ્પિક્સમાં સદંતર નિરાશાજનક દેખાવ કર્યો હતો.

ચાનૂ મણિપુરની રહેવાસી છે અને ભારતીય રેલવેમાં નોકરી કરે છે. એણે એનહેમ ખાતેની સ્પર્ધામાં મહિલાઓનાં 48 કિ.ગ્રા. વજન વર્ગમાં સ્નેચ હરીફાઈમાં 85 કિ.ગ્રા. વજન ઉંચક્યું હતું અને ક્લીન એન્ડ જર્કમાં 109 કિ.ગ્રા. વજન ઉંચકી બતાવ્યું હતું. એ આમ કુલ 194 કિલો વજન ઉંચકીને પહેલી આવી હતી અને ગોલ્ડ જીત્યો છે.

આ સાથે જ તેણે રાષ્ટ્રીય વિક્રમ પણ સર્જ્યો છે.

મેડલ લેવા માટે મંચ પર હાજર થઈ ત્યારે રાષ્ટ્રીય ધ્વજ જોઈને ચાનૂ રડી પડી હતી.

ઉલ્લેખનીય છે કે, કર્ણમ મલ્લેશ્વરીએ 1994 અને 1995માં, એમ બે વખત આ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

રિયો ઓલિમ્પિક્સમાં મહિલાઓના 48 કિલોગ્રામ વર્ગમાં ચાનૂ ક્લિન એન્ડ જર્ક વર્ગમાં ત્રણમાંના એકેય પ્રયાસમાં એકંદર કુલ વજન ઉંચકવામાં સફળ થઈ નહોતી.

રિયો ગેમ્સમાં 12 મહિલા લિફ્ટરોએ ભાગ લીધો હતો અને એમાં ચાનૂ ઉપરાંત એક અન્ય એથ્લીટ ફિનિશ કરી શકી નહોતી.

વિશ્વ સ્પર્ધામાં, ચાનૂ બાદ બીજા ક્રમે એટલે કે રજત ચંદ્રક જીતનાર છે થાઈલેન્ડની સુકચારોન થૂન્યા (193 કિલો) જ્યારે કાંસ્ય ચંદ્રક જીતનાર છે આયરલેન્ડની સેગુરા એના (182 કિલો).

ડોપિંગના મામલાને કારણે રશિયા, ચીન, કઝાખસ્તાન, યૂક્રેન અને આઝરબૈજન જેવા વિશ્વના ટોચના વેઈટલિફ્ટિંગ દેશોએ આ વખતની સ્પર્ધામાં ભાગ લઈ શક્યા નથી.

કર્ણમ મલ્લેશ્વરીએ 2000માં સિડની ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો.

ચાનૂએ 2014ની ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક જીત્યો હતો અને 2016માં સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.