વિરાટ કોહલીએ મહિલા ક્રિકેટ ટીમને શુભકામનાઓ આપી

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને આક્રમક બેટ્સમેન વિરાટ કોહલીએ બર્મિંઘહામમાં થનારા કોમનવેલ્થ ગેમ્સ 2022માં નેશનલ વુમન્સ ક્રિકેટ ટીમને શુભકામનાઓ આપી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવામાં સફળતા મેળવ્યા પછી વુમન્સ ક્રિક્રેટ કોમનવેલ્થ ગેમ્સમાં ડેબ્યુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ 29 જુલાઈથી સાત ઓગસ્ટની વચ્ચે રમાનાર છે અને એ T20 ફોર્મેટમાં રમાશે. વિશ્વ સ્તરે એ મહિલા ક્રિકેટરોનો આ પહેલો અનુભવ હશે. આ ગેમ્સમાં પહેલાં મેન્સ શ્રેણીમાં રમાડવામાં આવી હતી. મલેશિયાના ક્વાલાલમ્પુરમાં 1998 દરમ્યાન  મેન્સની 50 ઓવરની ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા બધા ભારતીય એથ્લીટોને મારી તરફથી બહુબધી શુભકામનાઓ, એમ વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું હતું.

ભારતની મહિલા ક્રિકેટ ટીમ 29 જુલાઈએ ઇંગ્લેન્ડના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાલના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની સામે મેદાનમાં ઊતરશે. પહેલી ગ્રુપ મેચથી પહેલાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે મને લાગે છે કે જ્યારે પણ અમને ઓસ્ટ્રેલિયાની સામે રમવાની તક મળી છે, ત્યારે અમે હંમેશાં બહુ સારો દેખાવ કર્યો છે.  અમે અમારો સર્વશ્રેષ્ઠ દેખાવ કરીશું. અમારા માટે બધી ટીમો મહત્ત્વની છે. જ્યારે પણ આવી ટુર્નામેન્ટ રમી રહ્યા હો, ત્યારે બધી મેચ જીતવી જરૂરી છે, એમ તેણે કહ્યું હતું.