વિરાટ-અનુષ્કાએ અલિબાગમાં ખરીદ્યું બીજું આલિશાન વિલા

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી અને એની અભિનેત્રી પત્ની અનુષ્કા કોહલીએ પડોશના રાયગડ જિલ્લામાં આવેલા સમુદ્રકાંઠાના નગર અને લોકપ્રિય પર્યટન સ્થળ અલિબાગમાં બીજું વૈભવશાળી વિલા ખરીદ્યું છે. આ વિલા (મકાન) 2,000 ચોરસ ફૂટ એરિયાનું છે અને દંપતીએ તે 6 કરોડ રૂપિયામાં ખરીદ્યું હોવાનો અહેવાલ છે.

અલિબાગમાં કોહલીની આ બીજી લક્ઝરિયસ પ્રોપર્ટી છે. 2022ની 1 સપ્ટેમ્બરે કોહલી દંપતીએ અલિબાગ નગર નજીકના ગિરડ ગામમાં રૂ. 19 કરોડ 24 લાખની કિંમતમાં 36,059 ચોરસ ફૂટનું એક ફાર્મહાઉસ ખરીદ્યું હતું. અનુષ્કાએ મુંબઈના વરલી વિસ્તારમાં ઓમકાર ટાવરમાં વૈભવશાળી ફ્લેટ ખરીદ્યો છે.

અલિબાગમાં કોહલીનું નવું વિલા માંડવા જેટ્ટીથી પાંચ જ મિનિટના અંતરે આવેલું છે. હવે સ્પીડ બોટ સેવા શરૂ કરવામાં આવી હોવાથી મુંબઈ અલિબાગ માત્ર 15 મિનિટમાં પહોંચી શકાય છે. કોહલી હાલ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી રમવામાં વ્યસ્ત હોવાથી એના ભાઈ વિકાસ કોહલીએ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને અલિબાગવાળા વિલાની ખરીદીની પ્રક્રિયા પૂરી કરી છે. કોહલીને આ ખરીદી માટે 36 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડી છે. આ વિલાની અંદર 400 સ્ક્વેર ફૂટનો સ્વિમિંગ પૂલ પણ છે.