લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ‘ક્રિકેટ પાકિસ્તાન’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, જ્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર છે, ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરશે નહીં. મોદી પાવરમાં છે ત્યાં સુધી અમને ભારત તરફથી કોઈ પ્રતિસાદ નહીં મળે.
આફ્રિદીનો દાવો છે કે વડા પ્રધાન મોદીના વિચારો નકારાત્મક છે એટલે જ્યાં સુધી એ ભારતમાં સત્તા પર છે ત્યાં સુધી બંને પડોશી દેશના સંબંધ સુધરી નહીં શકે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો ફરી રાબેતા મુજબના થઈ શકે એમ છે? એવું પૂછતાં આફ્રિદીએ વધુમાં કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો માત્ર એક જ વ્યક્તિને કારણે બગડ્યા છે. બંને દેશના લોકો એકબીજાના દેશમાં આવવા-જવા ઈચ્છે છે. મને સમજાતું નથી કે મોદી શું કરવા ઈચ્છે છે અને એમનો એજન્ડા ખરેખર શું છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન બહુ-રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં અવારનવાર રમતા આવ્યા છે, પરંતુ 2013ની સાલથી એકેય દ્વિપક્ષી સિરીઝ રમ્યા નથી. છેલ્લે, 2013માં પાકિસ્તાનની ટીમ 3-મેચની વન-ડે સિરીઝ રમવા ભારત આવી હતી.
પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટ ટીમની છેલ્લી વિઝિટ 2006માં થઈ હતી. એ વખતે રાહુલ દ્રવિડ કેપ્ટન હતો.
2008માં 26મી નવેંબરે મુંબઈમાં ભયાનક આતંકવાદી હુમલાઓ થયા બાદ અને એ હુમલાઓમાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓ સંગઠનોનો હાથ હોવાનું બહાર આવ્યા બાદ ભારતે એ દેશ સાથે દ્વિપક્ષી ક્રિકેટ મેચો રમવાનું બંધ કરી દીધું છે. એ માત્ર આઈસીસી યોજિત સ્પર્ધાઓમાં જ પાકિસ્તાન સાથે રમે છે.