નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક વિવો IPL ક્રિકેટ સ્પર્ધાને 2018થી સ્પોન્સર રહી છે, પરંતુ કંપનીએ આ વર્ષે T20 ટુર્નામેન્ટ માટે સ્પોન્સરિંગ કરવામાંથી હાથ પાછા ખેંચી લીધા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર વિવોએ જોકે BCCIની સાથે પોતાનાં પાંચ વર્ષના સ્પોન્સરશિપ કરારનો અંત નથી આણ્યો અને 2021, 2022 અને 2023માં આ જ ટુર્નામેન્ટને સ્પોન્સર કરશે.
ભારતમાં વધી રહેલી ચીનવિરોધી લાગણી વચ્ચે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિવો વિરોધી સૂર વચ્ચે કંપનીએ પોતાની સ્પોન્સરશિપ પાછી ખેંચી છે. આ વર્ષે IPLની મેચો UAEમાં રમાવાની છે, જેમાં દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં મેચો રમાવાની છે.
BCCIના એક સૂત્ર અનુસાર વિવોને બહાર કરવાનું કારણ એ પણ હોઈ શકે કે કંપની ટાઇટલ સ્પોન્સરશિપ માટે ઓછી રકમની ચુકવણી કરવા માગતી હોય. વિવો પ્રતિ વર્ષ 440 કરોડ રૂપિયા IPL ટુર્નામેન્ટ માટે આપે છે, પણ કંપની આ વર્ષે એમાં કપાત કરવા માગતી હોય એવું પણ બને. વળી, દેશમાં ચીનવિરોધી ભાવનાઓને કારણે કંપની પ્રતિકૂળ વેચાણને કારણે સ્પોન્સશિપમાં 130 કરોડ રૂપિયાનો કાપ મૂકવા ઇચ્છતી હતી.
ટાઇટલ સ્પોન્સરશિપ માટે ટેન્ડર જારી કરાશે
BCCI હવે આગામી ત્રણ દિવસમાં આ વર્ષની આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ માટે એક ટેન્ડર જારી કરશે અને પછી સ્પોન્સર્સ વિશે નિર્ણય લેશે. જોકે IPL ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યે કહ્યું હતું કે હું માત્ર એટલું કહી શકું કે અમારા બધા સ્પોન્સર્સ અમારી સાથે છે.
IPL ટુર્નામેન્ટ 2020 અથવા આઈપીએલ-13 આવતી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 53 દિવસો સુધી ચાલશે. 10 નવેંબરે ફાઇનલ મેચ સાથે ટુર્નામેન્ટનું સમાપન થશે. ટુર્નામેન્ટમાં ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે-બે મેચ રમાશે. બપોરની મેચો 3.30 વાગ્યાથી શરૂ થશે અને સાંજની મેચ 7.30 વાગ્યે શરૂ થશે.
