મારા માટે આ છેલ્લી-તક હતીઃ રોહિત શર્મા

લંડનઃ અહીંના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાતી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામેની લડતમાં ઓપનર રોહિત શર્માએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ગઈ કાલે મેચના ત્રીજા દિવસે ભારતના બીજા દાવમાં શર્માએ 127 રન ફટકાર્યા હતા અને તેની આ આઠમી ટેસ્ટ સદીના જોરે ભારત દિવસની રમતને અંતે ઈંગ્લેન્ડ પર 171 રનની સરસાઈ મેળવી શક્યું હતું. દિવસને અંતે ભારતનો સ્કોર 3 વિકેટે 270 રન હતો. કેપ્ટન વિરાટ કોહલી 22 અને રવિન્દ્ર જાડેજા 9 રન સાથે દાવમાં હતો. રોહિત શર્મા સાથે ઓપનર કે.એલ. રાહુલ (46)એ 83 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ શર્મા અને ચેતેશ્વર પૂજારા (61)ની જોડીએ બીજી વિકેટ માટે 153 રનની મહત્ત્વની ભાગીદારી નોંધાવી હતી. ભારત પહેલા દાવમાં 191 રનમાં આઉટ થઈ ગયા બાદ ઈંગ્લેન્ડે પહેલા દાવમાં 290 રન કર્યા હતા. ભારત પર 99 રનનું દેવું છે. પાંચ-ટેસ્ટ મેચોની શ્રેણીમાં બંને ટીમ 1-1 મેચ જીતીને બરોબરી પર છે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં રમાવાની છે.

રોહિત શર્માનો સેન્ચુરી-પરફોર્મન્સ જીવતદાન-વિહોણો હતો. 256 બોલમાં તેણે 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 127 રન કર્યા હતા. તેની સદીને કારણે ભારત સંગીન સ્થિતિમાં આવ્યું છે અને ઈંગ્લેન્ડને નમાવીને સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી શકે છે. ગઈ કાલે દિવસની રમત બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં રોહિત શર્માએ કહ્યું હતું કે ટેસ્ટ ઓપનર તરીકે સારો દેખાવ કરવાની મારા માટે આ છેલ્લી તક હતી એ હું બરાબર જાણતો હતો. ઓપનર તરીકે રોહિત શર્માની આ પાંચમી સદી છે અને વિદેશની ધરતી પર પહેલી જ છે. જો આ તક ચૂકી જાત તો મારે કદાચ ફરી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાનું આવત. ટીમ મેનેજમેન્ટમાં એ વિશે વાતો ચાલતી હતી. તેથી હું પડકારને ઝીલી લેવા માટે સજ્જ બન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ ક્રિકેટમાં અગાઉ મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે રોહિત શર્મા નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ એણે ઓપનર તરીકે રમવાનું નક્કી કર્યું હતું અને 2019માં ટીમ મેનેજમેન્ટે એની વાત માનીને તેને એ ક્રમ આપ્યો હતો.