આ ખેલાડી બન્યો T20 ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાએ T20 ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. તે 5000 રન અને 200 વિકેટનો આંકડો પાર કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વના કુલ 12 ખેલાડીઓમાં તેનો સમાવેશ થયો છે. IPL 2025માં હાર્દિક શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે, જ્યાં તે બેટ અને બોલ બંનેથી પોતાની ટીમ માટે મહત્વનું યોગદાન આપી રહ્યો છે. સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં તેણે આ માઈલસ્ટોન હાંસલ કર્યો. આ મેચમાં હાર્દિકે 2 વિકેટ ઝડપી, જેમાં લિયામ લિવિંગસ્ટોનની વિકેટ તેની 200મી T20 વિકેટ હતી. રસપ્રદ વાત એ છે કે આ જ મેચમાં તેના ભાઈ કૃણાલ પંડ્યાએ RCB તરફથી રમતા 4 વિકેટ લઈને પોતાની છાપ છોડી. હાર્દિકે આ સિઝનમાં અત્યાર સુધી 10 વિકેટ ઝડપી છે અને 169ના સ્ટ્રાઈક રેટથી 81 રન પણ ફટકાર્યા છે.

T20 ક્રિકેટમાં 5000 રન અને 200 વિકેટનો ડબલ ધમાલ મચાવનારા ખેલાડીઓની યાદીમાં હાર્દિક પંડ્યા નવો ચહેરો છે. આ યાદીમાં તેના સિવાય બધા વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ લિસ્ટની ટોચ પર વેસ્ટ ઈન્ડિઝનો ડ્વેન બ્રાવો છે, જેણે 631 વિકેટ ઝડપી અને 6970 રન બનાવ્યા છે. બીજા નંબરે બાંગ્લાદેશનો શાકિબ અલ હસન આવે છે, જેના નામે 492 વિકેટ અને 7438 રન છે. ત્રીજા સ્થાને વેસ્ટ ઈન્ડિઝનો જ આન્દ્રે રસેલ છે, જેણે 470 વિકેટ અને 9018 રન પોતાના નામે કર્યા છે.

આ યાદીમાં અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી પણ સ્થાન ધરાવે છે, જેણે 369 વિકેટ લઈને 6135 રન ફટકાર્યા છે. તેમજ ઈંગ્લેન્ડનો સમિત પટેલ આ ખાસ સૂચિમાં સામેલ છે, જેના નામે 352 વિકેટ અને 6673 રન નોંધાયેલા છે. હાર્દિક પંડ્યાની આ સિદ્ધિ ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે, અને તેનું આ પ્રદર્શન તેને વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોની શ્રેણીમાં મજબૂતીથી સ્થાપિત કરે છે.