આ તો હજી શરૂઆત છે: યશસ્વી જયસ્વાલ (વિક્રમસર્જક ઓપનર)

રોસો (ડોમિનિકા): વેસ્ટ ઈન્ડિઝ સામે અહીં રમાતી પહેલી ટેસ્ટ મેચમાં ભારતના પહેલા દાવમાં સદી ફટકારીને નવોદિત ઓપનર યશસ્વી જયસ્વાલે નવો વિક્રમ સર્જ્યો છે. 21 વર્ષના જયસ્વાલની કારકિર્દીની આ પહેલી જ ટેસ્ટ મેચ છે અને તેણે પહેલા જ દાવમાં સદી ફટકારી દીધી છે. ગઈ કાલે બીજા દિવસની રમત બંધ રહી હતી ત્યારે ભારતના બે વિકેટે 312 રનના જવાબના સ્કોરમાં જયસ્વાલ 143 રન સાથે દાવમાં હતો. સામે છેડે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 36 રન સાથે રમતો હતો. કેપ્ટન રોહિત શર્મા 103 અને શુભમન ગિલ 6 રન કરીને આઉટ થયો છે. વેસ્ટ ઈન્ડિઝનો પહેલો દાવ 150 રનમાં પૂરો થયો હતો. જયસ્વાલ અને શર્માએ પહેલી વિકેટ માટે 229 રનની ભાગીદારી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટક્રિકેટમાં ભારત વતી આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી થઈ છે. અગાઉ 2006માં વિરેન્દર સેહવાગ અને વાસીમ જાફરે 159 રનની ભાગીદારી કરી હતી.

રમત પૂરી થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જયસ્વાલે કહ્યું હતું કે, આ તો મારી કારકિર્દીની હજી શરૂઆત છે. દાવને કેટલો લાંબે સુધી લઈ જઈ શકાય છે એની મારી કોશિશ રહેશે.

જયસ્વાલે 215 બોલમાં પોતાની શાનદાર સદી પૂરી કરી હતી. તે કુલ 350 બોલનો સામનો કરી ચૂક્યો છે જેમાં એણે 14 ચોગ્ગા ફટકાર્યા છે.

રોહિતભાઈ સાથે મારે ખૂબ વાતચીત થઈ હતી. એ દર વખતે મને જણાવતા રહેતા હતા કે હું કેવી રીતે રન મેળવી શકીશ અને મારે બોલરોનો સામનો કેવી રીતે કરવો. મેચના આરંભ પહેલાં પણ ઘણી ચર્ચા થી હતી.

ઉત્તર પ્રદેશ નિવાસી જયસ્વાલે અન્ડર-19 ક્રિકેટ મેચોમાં અને આ વર્ષની આઈપીએલમાં જોરદાર દેખાવ કર્યો હતો. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં જયસ્વાલ માત્ર 26 દાવમાં 80.21ની સરેરાશ સાથે 1,845 રન ફટકારી ચૂક્યો છે. આઈપીએલમાં તે રાજસ્થાન રોયલ્સ વતી રમ્યો હતો અને 163.61ના સ્ટ્રાઈક રેટ સાથે 625 રન ફટકાર્યા હતા. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારીને તે આ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી યુવાન વયનો ચોથો બેટર બન્યો છે. કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત થતાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે જયસ્વાલને પસંદ કરવામાં આવ્યો હતો. રોહિત શર્માએ એને ઈલેવનમાં પસંદ કર્યો એટલું જ નહીં, એને પોતાની સાથે દાવનો આરંભ કરવા માટે લીધો અને જયસ્વાલે સુવર્ણ તકને બરાબર ઝડપી લીધી. કારકિર્દીની પહેલી જ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર તે 17મો ભારતીય બેટર બન્યો છે.