ઓલિમ્પિકમાં ત્રીજોઃ સ્વપ્નિલે બ્રોન્ઝ મેડલ પર સાધ્યું નિશાન

પેરિસઃ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં ભારતે ઇતિહાસ રચ્યો છે. સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં કાંસ્ય પદક જીત્યો હતો. સૌપ્રથમ વાર ઓલિમ્પિકમાં એવું થયું છે કે એક જ રમતમાં ભારતને ત્રણ મેડલ મળ્યા હોય.

પેરિસ ઓલિમ્પિકમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં સૌપ્રથમ વાર ભારતીય ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચ્યો હોય અને મેડલ જીત્યો હોય. ભારતીય દળે અત્યાર સુધી ત્રણ મેડલ જીત્યા છે. આ ત્રણે મેડલ શૂટિંગમાં આવ્યા છે અને ત્રણે મેડલ બ્રોન્ઝ છે. 3 પોઝિશન શૂટિંગમાં ત્રણ અલગ પ્રકારે શૂટિંગ કરવાનું હોય છે. સ્ટેન્ડિંગ એટલે કે ઊભા ઊભા, પ્રોન અને નીલિંગ એટલે કે ઘૂંટણીયે બેસીને આમ રીતે ત્રણ અલગ રીતે નિશાન સાધવાનું હોય છે.

સ્વપ્નિલ કુસાલે 451.4 સ્કોર કરીને ત્રીજા ક્રમે રહ્યો હતો. ચીનનો લિયુ યુકુન 463.6ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. આ સાથે જ યુક્રેનના સિરહી કુલીશે 461.3ના સ્કોર સાથે સિલ્વર જીત્યો હતો.

બુધવારે 50 મીટર રાઇફલ ત્રણ પોઝિશન શૂટિંગના ક્વોલિફિકેશન રાઉન્ડ રમાયા હતા. ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલેએ કુલ 590ના સ્કોર સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે નીલિંગમાં 198, પ્રોનમાં 197 અને સ્ટેન્ડિંગમાં 195 સ્કોર કર્યો હતો. ગુરુવારે પણ કુસાલે ભારતની કરોડો અપેક્ષાઓ પર ખરો ઊતરી અને દેશ માટે મેડલ જીત્યો હતો.

આ અગાઉ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ મિક્સ ડબલ્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.