ચંડીગઢઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈના બુધવારથી ડોમિનિકામાં પહેલી ટેસ્ટ મેચ શરૂ થશે. ભારતીય ટીમનો ટોપ-ઓર્ડર બેટર ચેતેશ્વર પુજારા બે-મેચની આ શ્રેણીમાં રમતો દેખાશે નહીં, કારણ કે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં એના ખરાબ બેટિંગ દેખાવને કારણે એને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યો નથી.
પુજારાને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવાના નિર્ણયથી ભૂતપૂર્વ ઓફ્ફ સ્પિનર હરભજનસિંહ નારાજ થયો છે. તેણે કહ્યું છે કે પુજારાએ જે કંઈ દેખાવ કર્યો છે કે તે બદલ હું એનો આદર કરું છું. છેલ્લા અનેક વર્ષોથી એ જરાય પ્રસિદ્ધિ વગર ટીમ ઈન્ડિયા વતી રમતો રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો તે એક મજબૂત આધારસ્તંભ છે. એણે ઘણી વાર ટીમને સંકટમાંથી બહાર કાઢી છે. એની રમતથી બીજા બેટર્સને મોટો ફાયદો થયો છે. પરંતુ પુજારાને આદર આપવામાં આવ્યો નથી.