વિશ્વનો સૌથી યુવાન વયનો ચેસ-GM અભિમન્યૂ મિશ્રા

મુંબઈઃ અમેરિકામાં જન્મેલો અને રહેતો ભારતીય મૂળનો અભિમન્યૂ મિશ્રા 12 વર્ષની વયે દુનિયાનો સૌથી યુવાન વયનો ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો છે અને દુનિયાભરમાંથી એની પર પ્રશંસાના પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી છે. આ બાળપ્રતિભાશાળી ખેલાડીની આ સિદ્ધિ માટે તામિલનાડુના બે અને મહારાષ્ટ્રનું એક જોડાણ રહ્યું છે.

અભિમન્યૂએ ગેલફેન્ડ, ક્રેમ્નિક, આગાર્ડ, ચુચેલોવ અને કાસ્પારોવ જેવા આંતરરાષ્ટ્રીય ગ્રાન્ડમાસ્ટરોએ યોજેલી ચેસ શિબિરોમાં હાજરી આપી હતી. અભિમન્યૂની ચેસ કારકિર્દીનું ઘડતર કરવામાં ત્રણ વ્યક્તિ મુખ્ય છેઃ તામિલનાડુના બે ગ્રાન્ડમાસ્ટર – અરૂણ પ્રસાદ સુબ્રમણ્યન અને માગેશ ચંદ્રન પંચનાથન તથા અનુપ્રિતા પાટીલ-પંચનાથન. આ ત્રણેય જણ હાલ અમેરિકામાં સ્થાયી થયાં છે. અભિમન્યૂ 2019માં દુનિયાનો સૌથી યુવાન વયનો ચેસ ઈન્ટરનેશનલ માસ્ટર બન્યો હતો. અને હાલમાં હંગેરીના બુડાપેસ્ટમાં એક ચેસ સ્પર્ધા જીતવા સાથે એણે સૌથી યુવાન વયના ગ્રાન્ડમાસ્ટર બનવાનો વિક્રમ સર્જ્યો હતો. એણે 19 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો છે, જે રશિયાના ગ્રાન્ડમાસ્ટર સર્ગે કાજાકીનના નામે હતો.

અભિમન્યૂ પાંચ વર્ષનો હતો ત્યારથી જ ચેસ રમવામાં માત્ર ઉત્સાહી જ નહોતો, પણ નિપુણ બની ગયો હતો. તે હાલ ગ્રાન્ડમાસ્ટર બની શક્યો છે એ રમત પ્રત્યે તેના સમર્પણ અને આકરી મહેનતનું પરિણામ છે. એટલી જ મહેનત એના પિતા હેમંત મિશ્રાએ કરી છે. પુત્રની ચેસ પ્રતિભાને જોઈને તેમણે એને કોચ પાસે તાલીમ અપાવી હતી. હેમંત મિશ્રા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના કર્મચારી છે. અભિમન્યૂ ચાર વર્ષનો હતો ત્યારે તેઓ એને પંચનાથન પાસે લઈ ગયા હતા જે ન્યૂ જર્સીમાં કિંગ્સ એન્ડ ક્વીન્સ ચેસ એકેડેમી ચલાવે છે. હેમંત મિશ્રાના ઘરથી આ કોચિંગ સેન્ટર બાય-રોડ 45-મિનિટ દૂર આવેલું છે. શરૂઆતમાં અભિમન્યૂને પંચનાથનના પત્ની અનુપ્રિતાએ તાલીમ આપી હતી. એની ઝડપી પ્રગતિ જોઈને બાદમાં ખુદ પંચનાથને એને આગળની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું.

પંચનાથન અને સુબ્રમણ્યન અમેરિકામાં ફૂલ-ટાઈમ ચેસ કોચ તરીકે જાણીતા છે. અભિમન્યૂ પાંચ-છ વર્ષની ઉંમરે પણ કલાકો સુધી ચેસ બોર્ડ સામે બેઠો રહેતો અને જરાય થાકતો નહીં. ભાગ્યે જ કોઈ બાળકમાં આવા ગુણ જોવા મળે છે, એમ પંચનાથને કહ્યું.

અભિમન્યૂ એના પિતા હેમંત મિશ્રા સાથે

બંને કોચનું કહેવું છે કે અભિમન્યૂની યાદશક્તિ અજબની છે. એને કોઈ પણ નવી ચાલ વિશે સમજાવીએ કે તરત જ એ તેને ગ્રહણ કરી લે. સ્પર્ધાઓમાં હરીફો સામે રમતી વખતે એ ડ્રોની ઓફર કરે નહીં અને લાંબી લડત રમતો હોય છે. એ આક્રમક ખેલાડી છે. ઓપનિંગ મૂવ્સ કરતી વખતે એ જોરદાર પૂર્વતૈયારી કરતો હોય છે. વ્યૂહાત્મક પોઝિશન્સ ગોઠવવામાં એની આંખો બહુ જ ચપળ છે. સુબ્રમણ્યન અને અનુપ્રિતાએ અભિમન્યૂને ઓપનિંગ્સ અને મિડલ ગેમ્સમાં કોચિંગ આપ્યું છે તો પંચનાથને એને એન્ડ ગેમ્સ સ્ટ્રેટેજીઝમાં પાવરધો બનાવ્યો છે. ત્રણેય કોચના આશ્ચર્ય વચ્ચે અભિમન્યૂ ઈન્ટરનેશનલ માસ્ટર્સને હરાવતો થયો અને જોતજોતામાં સૌથી વધુ રેટિંગ સાથે ગ્રાન્ડમાસ્ટર બની ગયો. ગયા વર્ષે અભિમન્યૂએ એના ગુરુ પંચનાથનને પણ હરાવી દીધા હતા. હવે એ તેમને વારંવાર હરાવે છે. પંચનાથને કહ્યું, કોઈ પણ ગુરુ એના શિષ્ય વિશે આવું જ ઈચ્છે. સુબ્રમણ્યન અને પંચનાથન 2,700 વર્લ્ડ Elo રેટિંગ ધરાવે છે. એમણે હેમંત મિશ્રાને સલાહ આપી છે કે તે અભિમન્યૂને હૈદરાબાદમાં રહેતા ભારતીય ગ્રાન્ડમાસ્ટર પી. હરિકૃષ્ણ પાસે તાલીમ અપાવે, જેમનું વિશ્વમાં રેટિંગ 2,730 પોઈન્ટ છે. હરિકૃષ્ણને હરાવવા આસાન નથી.