લંડનઃ ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન સારા ટેલરની કાઉન્ટી ક્લબ સસેક્સના નવા મદદનીશ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઇંગ્લેન્ડના કાઉન્ટી ક્લબ સસેક્સે સોમવારે ઘોષણા કરી હતી કે ભૂતપૂર્વ ક્રિક્રેટર સારા ટેલર આગામી સત્ર માટે ક્લબના કોચિંગ સ્ટાફમાં સામેલ થશે. સારા નવી સીઝનમાં પુરુષ ટીમની સાથે કામ કરશે. આ નવી ભૂમિકાને લઈ ટેલરે કહ્યું હતું કે સસેક્સ ટીમમાં સારા વિકેટકીપર છે. મારા માટે આ ગર્વની વાત છે કે હું તેમની સાથે કામ કરીશ અને મારા અનુભવ અને નિપુણતાનો આ રમતને વધુ સારી બનાવવા માટે કામ કરીશ, એમ તેણે કહ્યું હતું. તેણે વધુમાં કહ્યું હતું કે હું પાયાની રમતમાં સુધારો લાવવા પર ભાર મૂકીશ. સસેક્સની સાથે ટેલરની ભૂમિકા મોટા ભાગે વિકેટકીપિંગ પર જ કેન્દ્રિત હશે.
સસેક્સ ક્રિકેટે એક નિવેદનમાં કહ્યું હતું કે સસેક્સ ક્રિક્રેટ આગામી સત્ર માટે કોચિંગ સ્ટાફમાં સારા ટેલર અને એશલે રાઇટને સામેલ કરવાની જાહેરાત કરતાં બહુ ખુશ છે. ક્લબના કોચ જેમ્સ કર્ટલીએ કહ્યું હતું કે સારાની પાસે અમારા ખેલાડીઓ અને અમારી ટીમના માહોલથી જોડાવા માટે ઘણું બધું છે. તે વિકેટકીપિંગમાં બહુ કુશળ છે, પણ અમારા ગ્રુપની સાથે હળીમળી જશે.
તે કોઈ પણ સ્થિતિને અલગ દ્રષ્ટિકોણથી જોડે છે અને એક કોચના રૂપમાં તે અમારા બોર્ડમાં નવા વિચાર આપી શકશે અને તે એક બહુ સારી આયોજનકાર છે. મને વિશ્વાસ છે કે તે અમારા સેટ-અપમાં મહત્ત્વની સાબિત થશે. ટેલરે 30 વર્ષની ઉંમરે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તેણે 126 વનડેમાં 136 શિકાર કર્યા છે, જેમાં 84 સ્ટમ્પિંગ અને 51 કેચ છે. ટેલર ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર એલિસા હિલી પછી બીજા ક્રમે હતી. વર્ષ 2009માં ઇંગ્લેન્ડે મહિલા વિશ્વ કપ જીત્યો, ત્યારે તે આ ટીમનો હિસ્સો હતો.