ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ‘પુત્રીરત્ન’ને જન્મ આપ્યો

નવી દિલ્હીઃ મશહૂર ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સ બીજી વાર માતા બની છે. તેણે 22 ઓગસ્ટે પુત્રીને જન્મ આપ્યો છે, જેના ફોટો સેરેનાએ સોશિયલ મિડિયા પર શેર કર્યા છે, જેમાં સેરેના પતિ એલેક્સિસ ઓહાનિયન અને બંને પુત્રીની સાથે નજરે ચઢે છે. તેની પુત્રીઓના ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ પંસદ કરવામાં આવી રહ્યા છે.

સેરેનાએ સોશિયલ મિડિયા પર પુત્રીનો ફોટો શેર કરતાં જણાવ્યું હતું કે તેમણે ઘરમાં આવેલા નવા મહેમાનનું નામ અદિરા રિવર રાખ્યું છે. સેરેનાના પતિએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું હતું કે હું તમને માહિતી આપું છું કે હાલના સમયે ઘરમાં બહુબધો પ્રેમ છે. એક સ્વસ્થ પુત્રીનું આગમન થયું છે, જે મારા જીવનનો અતુલ્ય ઉપહાર છે. તેમણે એ માટે આરોગ્ય કર્મચારીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. આ યુગલને પહેલાં પણ એક પુત્રી છે, જેનું નામ ઓલમ્પિયા ઓહાનિયન છે.સેરેના વિલિયમ્સ 41 વર્ષની થઈ ચૂકી છે.. તે ટેનિસજગતની સૌથી મોટી હસ્તી છે. સેરેનાએ અત્યાર સુધી ચાર ઓલિમ્પિક ગોલ્ડ અને 23 સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ એવોર્ડ જીત્યા છે.

સેરેનાએ અને એલેક્સિસે નવેમ્બર, 2017માં લગ્ન કર્યાં હતાં. એલેક્સિસ ઓહાનિયન રેડિટના સહસંસ્થાપક છે, જેમણે 2016માં સેરેનાને પ્રપોઝ કર્યું હતું.. ત્યાર બાદ બંને જણે મેરેજ કર્યાં હતાં. સેરેનાએ છેલ્લી ટુર્નામેન્ટ વર્ષ 2022માં રમી હતી, જે અમેરિકી ઓપન હતી અને તેમાં તે ત્રીજા તબક્કામાં પહોંચી હતી.