મેલબર્નઃ ટીમ ઈન્ડિયાએ અહીંના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા પર 8-વિકેટથી વિજય હાંસલ કર્યો છે. આ સાથે ચાર-મેચની સિરીઝ 1-1થી સમાન થઈ છે. ત્રીજી ટેસ્ટ મેચ 6 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
ભારતના બોલરોએ ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ આજે 200 રનમાં સમાપ્ત કરાવી દીધો હતો. ભારતે પહેલા દાવમાં 131 રનની લીડ મેળવી હતી તેથી એને જીત માટે 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે બીજા દાવમાં મયંક અગ્રવાલ (5) અને ચેતેશ્વર પૂજારા (3)ની વિકેટો ગુમાવીને 15.5 ઓવરમાં 70 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓપનર શુભમન ગિલ 35 રન અને કેપ્ટન અજિંક્ય રહાણે 27 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. પહેલા દાવમાં શાનદાર સદી ફટકારનાર અને બોલિંગમાં સ્માર્ટ ફેરફારો કરીને પોતાનું નેતૃત્ત્વ કૌશલ્ય દાખવનાર રહાણેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. ટૂંકો સ્કોરઃ ઓસ્ટ્રેલિયા 195 અને 200. ભારત 326 અને 70-2. ઉલ્લેખનીય છે કે, રહાણેના સુકાનીપદ હેઠળ ભારતે ત્રણેય ટેસ્ટ જીતી છે.