મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોન પછી ભૂતપૂર્વ વિકેટકીપર બ્રેડ હેડિને કહ્યું હતું કે એડિલેડમાં રમાઈ ગયેલી ડે-નાઇટ મેચમાં આઠ વિકેટની શરમજનક હાર પછી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ માટે કમબેક કરવું બહુ મુશ્કેલ હશે. હેડિને કહ્યું હતું કે ભારતીય ટીમની પાસે પહેલી ટેસ્ટ જીતવાનો શાનદાર તક હતી. ભારતીય ટીમ પહેલી ટેસ્ટમાં લીડ મેળવ્યા પછી બીજી ઇનિંગ્સમાં માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ જતાં શરમજનક રીતે હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે બોર્ડર-ગાવસકર સિરીઝમાં 1-0ની લીડ હાંસલ કરી છે.
હેડિને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને નથી લાગતું કે ભારતીય ટીમ આ હારમાંથી બહાર આવી શકે. ઓસ્ટ્રેલિયા માટે 66 ટેસ્ટ રમી ચૂકેલા આ 43 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે એડિલેડમાં એવી સ્થિતિ હતી કે ભારતીય બોલરોને મદદ મળી રહી હતી.
તેમણે કહ્યું હતું કે મારું માનવું છે કે ટેસ્ટ મેચ જીતવાની એકમાત્ર તક એડિલેડમાં હતી. મને લાગે છે કે તેમના બોલરોને અહીંની પરિસ્થિતિ માફક આવી ગઈ છે. મને નથી લાગતું કે હવે તેઓ કમબેક કરી શકશે.