મેલબોર્નઃ T20 વર્લ્ડ કપ સ્પર્ધા-2022માં અહીં ગ્રુપ-1ની આજની બંને મેચ વરસાદને કારણે એકેય બોલ નખાયા વિના રદ કરી દેવામાં આવી છે. ચારેય ટીમને એક-એક પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યો છે. પહેલી મેચ હતી અફઘાનિસ્તાન અને આયરલેન્ડ વચ્ચેની અને બીજી હતી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની. મેચો રદ થતાં ચારેય ટીમના ખેલાડીઓ તેમજ દર્શકો નિરાશ થયા છે. ખાસ કરીને કટ્ટર હરીફ ટીમો – યજમાન ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ જોવા માટે દર્શકો ખૂબ ઉત્સુક હતાં. પોઈન્ટ્સ ટેબલમાં, ગ્રુપ-1ની છ ટીમોમાં ન્યૂઝીલેન્ડ ટોચ પર છે. તેની સાથે ઈંગ્લેન્ડ, આયરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ એક-એક મેચ જીતવા સહિત 3 પોઈન્ટ ધરાવે છે. ન્યૂઝીલેન્ડ વધારે સારા (+4.450) રનરેટ સાથે ટોચ પર છે. ગ્રુપ-2માં, ભારત બંને મેચ જીતીને 4 પોઈન્ટ સાથે મોખરે છે. તે પછીના ક્રમે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેધરલેન્ડ્સ આવે છે. આવતીકાલે, 29 ઓક્ટોબરે ગ્રુપ-1માં સિડનીમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાવાની છે.
ઓસ્ટ્રેલિયામાં, ખાસ કરીને મેલબોર્ન શહેરમાં ઓક્ટોબર મહિનામાં આ રીતે વરસાદ પડતો નથી. આવું કદાચ પહેલી જ વાર બન્યું છે. હવે આ જ મેદાન પર 6 નવેમ્બરે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ગ્રુપ-2નો મુકાબલો છે અને ત્યારબાદ 13 નવેમ્બરની ફાઈનલ મેચ પણ આ જ મેદાન પર રમાવાની છે. તેથી સૌ કોઈ પ્રાર્થના કરે છે કે વરસાદ હવે વધારે અવરોધ નાખે નહીં તો સારું.