સુરેશ રૈના આઈપીએલ, ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્ત થયો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જોકે તે દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને યૂએઈમાંની ટ્વેન્ટી-20 લીગ સ્પર્ધાઓમાં રમશે.

35 વર્ષીય રૈના 2021માં આઈપીએલ સ્પર્ધામાં રમ્યો હતો, પરંતુ 2022ની મોસમ શરૂ થતા પૂર્વે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે એને છૂટો કરી દીધો હતો. નિવૃત્તિની જાહેરાત કરીને રૈનાએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ, ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન અને સીએસકે ટીમ સંચાલકોનો આભાર માન્યો છે. ભારતીય ટીમના ખેલાડી તરીકે રૈના 18 ટેસ્ટ, 226 વન-ડે ઈન્ટરનેશનલ અને 78 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં રમ્યો હતો. એ 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય પણ હતો.