રાજનાથ સિંહ, જયશંકર પ્રધાન સ્તરની વાટાઘાટ માટે જાપાન જશે

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન અને વિદેશપ્રધાન એસ. જયશંકર આ સપ્તાહે ટૂ પ્લસ ટૂ પ્રધાન સ્તરે વાટાઘાટમાં ભાગ લેવા માટે જાપાન જશે, ત્યાં તેઓ તેમની સમકક્ષ પ્રધાનો સાથે વાટાઘાટ કરશે. બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષી ભાગીદારીને મજબૂત કરવા માટે વાટાઘાટ કરશે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન એસ. જયશંકર સાત સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી દ્વિતીય ભારત-જાપાન ટૂ પ્લસ ટૂ મંત્રાલયોની બેઠકમાં સત્તાવાર રીતે સામેલ થશે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

સંરક્ષણપ્રધાન જાપાનના સંરક્ષણપ્રધાન યાસુકાજુ હમાદા અને વિદેશપ્રધાન એસ. જયશંકર ત્યાંના વિદેશપ્રધાન યોશિમાસા હયાસી સાથે વાતચીત કરશે. ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક અને લોકશાહીને આધારે વૈશ્વિક ભાગીદારી, સ્વતંત્રતા અને કાયદાના શાસન પ્રતિ મૂલ્ય આધારિત છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

વાર્ષિક ભારત-જાપાન શિખર સંમેલનમાં જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાની ભારત યાત્રાના પાંચ મહિનાથી વધુના સમય પછી ટૂ પ્લસ ટૂ સંવાદ આયોજિત કરવામાં આવી રહ્યો છે. નવી દિલ્હીમાં  શિખર વાટાઘાટ દરમ્યાન કિશિદાએ ભારતમાં આગામી પાંચ વર્ષ સુધી રૂ. 3.20,000 કરોડના મૂડીરોકાણ કરવાની ઘોષણા કરી હતી. બંને દેશોના ટૂ પ્લસ ટૂ સંવાદમાં સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે દ્વિપક્ષી સહયોગ સાધવાને મુદ્દે વિચારવિમર્શ કરવામાં આવશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે હિન્દપ્રશાંત ક્ષેત્રમાં થઈ રહેલા ઘટનાક્રમ મુદ્દે પણ વાતચીત થવાની અપેક્ષા છે.  જાપાનની સાથે ભારતે વર્ષ 2019માં ટૂ પ્લસ ટૂ સંવાદનો પ્રારંભ થયો હતો. ભારત કેટલાક દેશોની સાથે ટૂ પ્લસ ટૂ સંવાદ આયોજિત કરે છે, જેમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને રશિયા સામેલ છે.