કાંગારું બોલરો ચિંથરેહાલ; ચેતેશ્વર પૂજારાની પ્રશંસા કરતો વિકેટકીપર પંત

સિડની – અહીં ઓસ્ટ્રેલિયા સામે રમાતી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત અત્યંત મજબૂત સ્થિતિમાં છે. આજે બીજા દિવસે ભારતે પોતાનો પહેલો દાવ 7 વિકેટે 622 રને ડિકલેર કર્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના ઓપનરો – માર્કસ હેરિસ અને ઉસ્માન ખ્વાજાએ 10 ઓવર રમીને વિકેટ ગુમાવ્યા વગર 24 રન કર્યા હતા. મોહમ્મદ શમીની બોલિંગમાં પંતે જો ખ્વાજાનો કેચ પડતો મૂક્યો ન હોત તો ઓસ્ટ્રેલિયા વધારે દબાણમાં આવી ગયું હોત.

ભારતના દાવની વિશેષતા બે તોતિંગ સદી છે, જે ચેતેશ્વર પૂજારા અને વિકેટકીપર રિષભ પંતે ફટકારી છે. પૂજારા 193 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો જ્યારે પંત 159 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

રવિન્દ્ર જાડેજા વ્યક્તિગત 81 રનના સ્કોર પર આઉટ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ટીમનો પહેલો દાવ ડિકલેર કર્યો હતો.

પંત અને જાડેજાએ સાતમી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. ટૂંકમાં, આજે ઓસ્ટ્રેલિયાના બોલરો ખૂબ ઝુડાઈ ગયા હતા. ભારતે 4 વિકેટે 303 રનના તેના ગઈ કાલના અધૂરા દાવને આજે આગળ વધાર્યો હતો. ટીમે આજે 319 રન બનાવ્યા હતા.

રાજકોટનિવાસી પૂજારા માત્ર સાત રન માટે તેની ચોથી ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. ઓફ્ફ સ્પિનર નેથન લિયોને પોતાની જ બોલિંગમાં પૂજારાનો કેચ પકડી લેતાં પૂજારાના 373 બોલના દાવનો અંત આવી ગયો હતો જેમાં એણે 22 ચોગ્ગા ફટકાર્યા હતા.

પૂજારાની વિકેટ પડ્યા બાદ પંત જરાય દબાણમાં આવ્યો નહોતો અને ઊલટાનું, વધારે આક્રમક રીતે રમ્યો હતો અને કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. એ 189 બોલ રમ્યો હતો અને એક છગ્ગો અને 15 ચોગ્ગા ઝીંક્યા હતા.

ભારતે આજે તેની પહેલી વિકેટ હનુમા વિહારીના રૂપમાં ગુમાવી હતી, જેણે 42 રન કર્યા હતા.

પૂજારાની વિકેટ પડ્યા બાદ ક્રીઝ પર આવેલા જાડેજા અને પંતે મળીને કાંગારું બોલરોની સખત રીતે ધુલાઈ કરી દીધી હતી.

પૂજ્જીભાઈ (પૂજારા) પાસેથી ઘણું શીખવા મળે છેઃ પંત

દિવસની રમત પૂરી થયા બાદ પંતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, આ દાવ પરથી મારી બેટિંગ ક્ષમતામાં કોઈ ફરક પડ્યો હોય એવું મને પોતાને લાગતું નથી, પરંતુ એક મહત્ત્વની વાત એ છે કે હું પૂજારાની સાથે રમ્યો હતો. જે કોઈ બેટ્સમેન કંગાળ ફોર્મમાં સપડાયો હોય તો એ પૂજ્જીભાઈ (ચેતેશ્વર પૂજારા) પાસેથી ઘણું શીખી શકે છે.

પંતે કહ્યું કે, અગાઉ મોટે ભાગે એવું બન્યું હતું કે મારે મારા દાવની શરૂઆત પૂંછડિયા બેટ્સમેનોની સાથે કરવી પડી હતી. તેથી જો હું પૂંછડિયાઓ સાથે રમું તો સાવ જુદી જ રીતે વિચારું, કારણ કે ઘણો ખરો સમય મારે જ રન કરવાન ારહે. પરંતુ જ્યારે તમે કોઈ બેટ્સમેનની સાથે રમો ત્યારે પરિસ્થિતિ જુદી હોય, જે આજે તમે જોયું.

પૂજારા અને પંત ઓસ્ટ્રેલિયાના બોલરો પર છવાઈ ગયા, પણ અલગ અલગ રીતે. પૂજારા ઉત્કૃષ્ટ ટેકનિક સાથે રમ્યો તો પંત આક્રમક સ્ટાઈલમાં.

પંતે કહ્યું કે સદીની નજીક હતો ત્યારે એ થોડોક માનસિક તાણમાં આવી ગયો હતો. કારણ કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચો વખતે બે વાર પંત વ્યક્તિગત 92 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. તેથી આ વખતે પણ થોડોક ગભરાટમાં હતો, પરંતુ એ તબક્કામાંથી બહાર નીકળવામાં સફળ થયો.