દંતકથાસમાન ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરને અપાઈ અશ્રુભીની અંતિમ વિદાય

મુંબઈ – માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન ભારત રત્ન સચીન તેંડુલકરને વિશ્વના મહાન બેટ્સમેન બનવામાં પાયાની ભૂમિકા ભજવનાર, એમને બાળપણથી તાલીમ આપનાર ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરના આજે અહીં દાદરના શિવાજી પાર્ક વિસ્તાર સ્થિત સ્મશાનભૂમિ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. એમને અંતિમ વિદાય આપવા માટે તેંડુલકર તથા યુવા ક્રિકેટરો સહિત હજારો લોકોએ હાજરી આપી હતી. તેંડુલકરે એમના ક્રિકેટ ગુરુની અર્થીને કાંધ આપી હતી.

87 વર્ષીય આચરેકર બીજી જાન્યુઆરીના બુધવારે સાંજે હાર્ટ એટેકને કારણે શિવાજી પાર્ક સ્થિત એમના નિવાસસ્થાને અવસાન પામ્યા હતા. એને કારણે મુંબઈ ક્રિકેટમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું હતું.

શિવાજી પાર્ક સ્મશાનભૂમિમાં આચરેકરના પાર્થિવ શરીરને અગ્નિદાહ અપાયો હતો. એમના માથા પર એમની મનપસંદ ગ્રે રંગની ગોલ્ફ કેપ પહેરાવવામાં આવી હતી. એ મોટે ભાગે ગોલ્ફ કેપમાં જોવા મળતા હતા.

તેંડુલકર, વિનોદ કાંબલી, ચંદ્રકાંત પંડિત, બલવિન્દર સિંહ સંધુ જેવા એમના અગ્રગણ્ય વિદ્યાર્થીઓ તથા પ્રથમ કક્ષાના બીજા અનેક ક્રિકેટરો આજે સવારે આચરેકરના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.

ત્યારબાદ આચરેકરના પાર્થિવ શરીરને ફૂલોથી સજાવેલા વાહનમાં મૂકવામાં આવ્યું હતું.

આચરેકરના નિવાસસ્થાને મુલાકાત લેનારાઓમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ તથા એમના પડોશી રાજ ઠાકરે, નીતિન સરદેસાઈ, ભારતીય જનતા પાર્ટીના મુંબઈ એકમના પ્રમુખ આશિષ શેલાર તથા બીજા અનેક રાજકીય પક્ષોના નેતાઓ, પ્રતિનિધિઓ, ક્રિકેટ સંસ્થાઓ તથા ક્લબોના આગેવાનોનો પણ સમાવેશ હતો.

આચરેકરની અંતિમ યાત્રા એમના નિવાસસ્થાનેથી નીકળી ત્યારે યુવા ક્રિકેટ ખેલાડીઓનું એક ગ્રુપ ફૂલ-ફિલ્ડ પોશાકમાં રસ્તાની બંને તરફ ગોઠવાઈ ગયા હતા. આચરેકરના પાર્થિવ શરીર સાથેનું વાહન પસાર થયું ત્યારે આ ખેલાડીઓએ એમનાં બેટ ઊંચા કરીને દિવંગત કોચને ‘ગ્રેન્ડ સેલ્યૂટ’ આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રમાકાંત આચરેકરના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ટ્વીટ દ્વારા પોતાની શબ્દાંજલિ અર્પણ કરી હતી.

httpss://twitter.com/PMOIndia/status/1080662643071959041

httpss://youtu.be/0kYCD6mImC4