શ્રીલંકાના ક્રિકેટરો એમના દેશની હાલતથી ચિંતિત

મુંબઈઃ દક્ષિણ બાજુએ આવેલા ભારતના પડોશી ટાપુરાષ્ટ્ર શ્રીલંકામાં વીજસંકટ અને મોંઘવારીના મુદ્દાઓ પર ગંભીર આર્થિક અને રાજકીય કટોકટી સર્જાઈ છે. વડા પ્રધાન મહિન્ડા રાજપક્ષાના તમામ કેબિનેટ પ્રધાનોએ એમના હોદ્દા પરથી ગઈ કાલે મોડી રાતે રાજીનામું આપી દીધું હતું. શિક્ષણ પ્રધાન અને સંસદના ગૃહના નેતા દિનેશ ગુણવર્દનાએ કહ્યું કે તમામ કેબિનેટ પ્રધાનોએ વડા પ્રધાનને પોતપોતાના રાજીનામા સુપરત કરી દીધા છે. ગુણવર્દનાએ આ સામુહિક રાજીનામાઓ પાછળનું કારણ જણાવ્યું નથી. શ્રીલંકાને માથે આર્થિક દેવું ખૂબ વધી ગયું છે. એને કારણે વિદેશી હૂંડિયામણની તંગીની સમસ્યા સર્જાઈ છે.

દરમિયાન, પોતાના દેશમાં સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટીને કારણે શ્રીલંકાના અનેક ભૂતપૂર્વ તથા વર્તમાન ક્રિકેટરો ચિંતિત થઈ ગયા છે, જેઓ હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની 15મી આવૃત્તિમાં રમવા માટે મુંબઈ આવ્યા છે. આમાં શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન ટીમના કન્સલ્ટન્ટ કોચ તથા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના હેડ કોચ મહેલા જયવર્દને, રાજસ્થાન રોયલ્સ ટીમના હેડ કોચ અને શ્રીલંકાના ભૂતપૂર્વ વિકેટકીપર કુમાર સાંગકારા, ભાનુકા રાજપક્ષા, વાનિન્દુ હસરંગાએ સોશિયલ મિડિયા મારફત ચિંતા વ્યક્ત કરી છે.

રાજપક્ષા પંજાબ કિંગ્સ વતી રમે છે જ્યારે હસરંગા રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનો સભ્ય છે. હસરંગાએ એવો આક્ષેપ કર્યો છે કે એમના પક્ષીય રાજકારણે એમના દેશની એકતાને બરબાદ કરી નાખી છે. રાજપક્ષાએ મોંઘવારી અને વીજસંકટથી પરેશાન તેના દેશવાસીઓ દ્વારા કરાઈ રહેલા વ્યાપક વિરોધને સમર્થન આપ્યું છે. શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સનથ જયસૂર્યા, શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને આઈસીસીના ભૂતપૂર્વ મેચ રેફરી રોહન મહાનામાએ પણ એમના દેશમાં સર્જાયેલી કટોકટી અંગે આવી જ લાગણી વ્યક્ત કરી છે અને દેશવાસીઓના શાંતિપૂર્ણ વિરોધને સમર્થન આપ્યું છે.

શ્રીલંકાના પ્રમુખપદે ગોટાબાયા રાજપક્ષા છે, જે વડા પ્રધાન મહિન્ડાના ભાઈ છે. મહિન્ડાના પુત્ર નમલ રાજપક્ષા કેબિનેટ પ્રધાન છે, પણ અન્ય પ્રધાનોની સાથે એમણે પણ ગઈ કાલે રાજીનામું આપી દીધું છે.