કોરોનાની ચોથી-લહેર દાંત-પેઢાં પર આક્રમણ કરી શકે

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો એક નવો પ્રકાર (વેરિઅન્ટ) ફેલાયો છે. ચીન, તાઈવાનન જેવા પડોશી દેશોમાં આ વેરિઅન્ટને કારણે કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. આને કારણે ભારતીયોને માથે પણ કોરોનાની ચોથી લહેરનું જોખમ ઝળૂંબી રહ્યું છે. ભારતમાં હાલ કોરોનાના કેસની સંખ્યા ધરખમપણે ઘટી ગઈ છે અને તેને કારણે વધુ ને વધુ રાજ્યમાં કોરોના-નિયંત્રણો ઉઠાવી લેવામાં આવી રહ્યા છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોએ ઓમિક્રોન, BA.2 અથવા સ્ટીલ્થ ઓમિક્રોન જેવા પેટા-વેરિઅન્ટ સામે લોકોને ચેતવ્યાં છે. તેમણે ભારતીયોને કોવિડ-19 ચેપના નવા લક્ષણો સામે સતર્ક રહેવાની સલાહ આપી છે, જેમ કે દાંતમાં અને પેઢામાં દુખાવો થવો. નવા અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે દાંત-પેઢાંના આરોગ્યને કોવિડ-19 સાથે સંબંધ છે. કોરોનાનો નવો ચેપ દર્દીના દાંતના આરોગ્યને બગાડી શકે છે. કોરોનાથી પીડિત દર્દીઓમાં 75 ટકા લોકોને આવી સમસ્યા નડી રહી છે.

તેથી દાંત અને પેઢાંમાં દુખાવો થાય કે કોઈ ઓચિંતો ફેરફાર જણાય તો એની અવગણના કરવી નહીં અને તરત જ દાંતના ડોક્ટરને બતાવવું. દાંતના દુખાવાની સાથે તાવ જેવું લાગે, સતત ઉધરસ આવતી રહે, શરીરમાં ખૂબ જ થાક લાગે, પેઢામાં લોહીના ગઠ્ઠા જામે, જડબામાં કે દાંતમાં દુખાવો થાય તો તરત જ ડોક્ટરને બતાવવું.