જોહાનિસબર્ગ – દક્ષિણ આફ્રિકાએ ગઈ કાલે અહીં વોન્ડરર્સ સ્ટેડિયમ ખાતે વરસાદના વિઘ્નવાળી ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારત પર પાંચ-વિકેટથી વિજય હાંસલ કરીને છ મેચોની સિરીઝને જીવંત રાખી છે. જો ભારત આ મેચ જીતી ગયું હોત તો શ્રેણીને કબજામાં લઈ લીધી હોત. પાંચમી મેચ 13 ફેબ્રુઆરીએ પોર્ટ એલિઝાબેથમાં રમાશે.
ગઈ કાલે ચોથી મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી અને ભારતે કારકિર્દીની 100મી મેચ રમેલા શિખર ધવનની શાનદાર 13મી સદી (109) રનની મદદથી પોતાના હિસ્સાની 50 ઓવરમાં 7 વિકેટે 289 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાએ 7.2 ઓવરમાં 1 વિકેટે 43 રન કર્યા હતા ત્યારે વરસાદ તૂટી પડ્યો હતો અને બાદમાં મેચ ફરી શરૂ કરાઈ ત્યારે દક્ષિણ આફ્રિકાને ડકવર્થ/લૂઈસ મેથડ અનુસાર નવો ટાર્ગેટ મળ્યો હતો – 28 ઓવરમાં 202 રન કરવાનો. એણે 25.3 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 207 રન કરીને મેચ જીતી લીધી હતી.
દક્ષિણ આફ્રિકાને આ જીત ડેવિડ મિલર, વિકેટકીપર હેનરિક ક્લાસેન, એન્ડીલ ફેલુવેયોની જોરદાર ફટકાબાજીને કારણે મળી હતી.
કેપ્ટન એઈડન માર્કરમ 22 રન કરીને પહેલો આઉટ થયો હતો. નવા ટાર્ગેટમાં જ્યાં-પૌલ ડુમિની 10 રન અને હાશીમ અમલા 33 રન કરીને આઉટ થયા બાદ એબી ડી વિલિયર્સ (18 બોલમાં બે સિક્સર અને એક ચોગ્ગા સાથે 26), ડેવિડ મિલર (28 બોલમાં બે છગ્ગા, 4 ચોગ્ગા સાથે 39), હેનરિક ક્લાસેન (27 બોલમાં એક સિક્સર, પાંચ ચોગ્ગા સાથે અણનમ 43) અને એન્ડીલ ફેલુવેયો (પાંચ બોલમાં 3 સિક્સર, એક બાઉન્ડરી સાથે અણનમ 23)ની મારઝૂડે એમની ટીમને રોમાંચક વિજય અપાવ્યો હતો.
PINK વન-ડે મેચ જીતવાનો સિલસિલો દક્ષિણ આફ્રિકાએ જાળવી રાખ્યો
આ જીત સાથે, ગુલાબી ડ્રેસમાં વન-ડે મેચ જીતવાની હારમાળાને ગૃહ ટીમે યથાવત્ રાખી છે. બ્રેસ્ટ કેન્સર વિશે જનજાગૃતિ લાવવા માટે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરો વન-ડે ઈન્ટરનેશનલમાં ગુલાબી ડ્રેસ પહેરીને મેચ રમતા હોય છે. ગુલાબી ડ્રેસમાં સજ્જ થઈને એમણે જીતેલી આ મેચ છઠ્ઠી છે. 2013માં પણ એમણે ભારતને આ ડ્રેસમાં રમીને હરાવ્યું હતું.
દક્ષિણ આફ્રિકા તેની પહેલી પિન્ક વન-ડે મેચ 2011માં રમ્યું હતું.
દક્ષિણ આફ્રિકાની ટીમ દ્વારા આ વર્ષની ‘Pink ODI’ શાર્લોટ મેક્ઝીક જોહાનિસબર્ગ એકેડેમીક હોસ્પિટલ ખાતે બ્રેસ્ટ કેન્સર ક્લિનિક બનાવવા માટે ભંડોળ એકઠું કરવાના ઉદ્દેશ્ય સાથે રમવામાં આવી હતી.
શનિવારની મેચમાં, ભારતના દાવમાં, શિખર ધવને 105 બોલમાં બે સિક્સર, અને 10 ચોગ્ગાની મદદથી 109 રન કર્યા હતા. રોહિત શર્મા માત્ર પાંચ રન કરીને ફરી નિષ્ફળ ગયા બાદ ધવન અને કેપ્ટન કોહલી (75)ની જોડીએ 158 રનની ભાગીદારી કરી હતી. કોહલીએ 83 બોલના દાવમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની 42 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. અજિંક્ય રહાણે 8, શ્રેયસ ઐયર 18, હાર્દિક પંડ્યા 9 અને ભૂવનેશ્વર કુમાર પાંચ રન કરીને આઉટ થયો હતો.