દેશમાં ટેનિસની રમતનાં વિકાસ માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રાક્ચરનો અભાવ છેઃ સાનિયા મિર્ઝા

નવી દિલ્હી – ભારતીય મહિલાઓની ટેનિસ રમતમાં છેલ્લા દોઢ દાયકાથી બિનહરીફ ક્વીન રહેલી અને મહિલાઓની ડબલ્સનાં વર્ગમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 સાનિયા મિર્ઝાનું એવો આક્ષેપ કર્યો છે કે દેશમાં ટેનિસની રમત માટે યોગ્ય પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે એને કારણે પોતાનું સ્થાન લઈ શકે એવી કોઈ ખેલાડી તૈયાર કરી શકાઈ નથી.

કારકિર્દી દરમિયાન છ ગ્રાન્ડસ્લેમ વિજેતાપદ જીતી ચૂકેલી હૈદરાબાદની 31 વર્ષીય સાનિયાએ અહીં એક મુલાકાત કહ્યું હતું કે મહિલાઓની ટેનિસ સર્કિટમાં ઘણી યુવા ખેલાડીઓ રમતી જોવા મળી છે, પરંતુ એમાંથી ભાગ્યે જ એવી કોઈ છોકરી મળી છે જે મારું સ્થાન લઈ શકે.

સાનિયાએ કહ્યું કે, આપણે ત્યાં સિસ્ટમ જેવું કંઈ જ નથી. ધારો કે કોઈ છ વર્ષનું બાળક ટેનિસ રમવા ઈચ્છે તો એને ખબર જ ન હોય કે એણે રમવા માટે ક્યાં જવું. એને કારણે જ આપણે 20 વર્ષમાં એક ચેમ્પિયન તૈયાર કરી શકીએ છીએ, જે વાસ્તવમાં આપણે દર બે વર્ષે તૈયાર કરવા જોઈએ.

સાનિયાએ વધુમાં કહ્યું કે, અન્ય રમતોની સરખામણીમાં ટેનિસ ગેમ વધારે પરિશ્રમ માગી લેનારી છે. પ્રોફેશનલ ટેનિસ ખેલાડી બનવા માટે ખરેખર સારું રમતા આવડવું જોઈએ. નાણાકીય ટેકાના અભાવને કારણે ઘણા લોકો ટેનિસ રમવાનું વહેલું છોડી દે છે. હું કોઈ અન્ય રમતોને નીચી દર્શાવવા માગતી નથી, પરંતુ ટેનિસ પણ એક જાગતિક રમત છે. દુનિયામાં 200 જેટલા દેશોમાં એની મેચો દરરોજ ક્યાંકને ક્યાંક રમાતી હોય છે. દુનિયામાં ટેનિસની 52 મોટી સ્પર્ધાઓ રમાય છે. જેથી તમે દર અઠવાડિયે એકાદ સ્પર્ધામાં રમી શકો અને હરીફાઈનો અનુભવ મેળવી શકો.

સાનિયા ઘૂંટણની ઈજાને કારણે હાલ ટેનિસ કોર્ટથી દૂર છે. એણે ઈન્ડિયન ફેડ કપ ટીમની સભ્યો – અંકિતા રૈના, કરમાનકૌર થાન્ડી, પ્રાંજલા યદલાપલ્લી, પ્રાર્થના ઠોંબરેનાં પર્ફોર્મન્સનાં વખાણ કર્યાં છે. પરંતુ કહ્યું છે કે ‘કોઈક ખેલાડીએ તો મારી સિદ્ધિને આગળ વધારવાની છે. આ છોકરીઓને હું ઘણાં વર્ષોથી રમતી જોઉં છું. તેઓ ઘણું સરસ રમે છે. તેઓ ખૂબ મહેનત પણ કરે છે અને ટેલેન્ટેડ છે, પરંતુ આપણે એવી ખેલાડીની રાહ જોઈ રહ્યાં છીએ જે મારી જેમ કંઈક ગજબ કરી બતાવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]