સેન્ચુરિયનઃ અહીં સુપરસ્પોર્ટ મેદાન પર રમાતી બે-મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસે લંચ બાદના સત્રમાં સાઉથ આફ્રિકાની ટીમ તેના પહેલા દાવમાં 408 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પહેલા દાવમાં 245 રન કરનાર ભારતીય ટીમ ઉપર તેણે 163 રનની સરસાઈ મેળવી છે. બીજા દાવમાં પણ ભારતનો સ્ટાર્ટ સારો રહ્યો નહોતો. કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્ય વગર, યશસ્વી જાયસવાલ પાંચ રન અને શુભમન ગિલ 26 રન કરીને આઉટ થઈ ગયો છે. કેગિસો રબાડા, નાન્દ્રે બર્ગર અને માર્કો યાનસને એક-એક વિકેટ લીધી છે. ટી-બ્રેક વખતે ભારતનો સ્કોર 3 વિકેટે 62 રન હતો. વિરાટ કોહલી 18 અને શ્રેયસ ઐયર 6 રન સાથે દાવમાં હતો.
લંચ બાદના સત્રમાં સાઉથ આફ્રિકાની ટીમ તેના પહેલા દાવમાં 9 વિકેટે 408 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન ટેમ્બા બવૂમા ઈજાગ્રસ્ત હોવાને કારણે બેટિંગ કરવા આવ્યો નહોતો. પહેલા દાવમાં 245 રન કરનાર ભારતીય ટીમ ઉપર તેણે 163 રનની સરસાઈ મેળવી છે. સાઉથ આફ્રિકાની ટીમ કુલ 109.4 ઓવર રમી હતી. સાતમા ક્રમનો બેટર માર્કો યાનસન 84 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તેણે 147 બોલનો સામનો કર્યો હતો અને દાવમાં એક સિક્સર અને 11 બાઉન્ડરી ફટકારી હતી.
ભારત વતી જસપ્રિત બુમરાહ 69 રનમાં 4 વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો છે.
ગૃહ ટીમનો આ જંગી સ્કોર ડાબોડી ઓપનર ડીન એલ્ગરના 185 રનને કારણે બની શક્યો છે. ગઈ કાલનો નોટઆઉટ બેટર એલ્ગર આજે આઉટ થયો હતો. તેણે કુલ 425 મિનિટની રમતમાં 287 બોલનો સામનો કર્યો હતો જેમાં તેણે 28 ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમના 360 રનના સ્કોર પર શાર્દુલ ઠાકુરની બોલિંગમાં કીપર રાહુલ દ્વારા તે કેચઆઉટ થયો હતો. ગઈ કાલે ડેવિડ બેડિંઘમે 56 રન કર્યા હતા. એલ્ગર સાથે ગઈ કાલે રમત બંધ રહી ત્યારે યાનસન પણ નોટઆઉટ હતો.
મેચ પૂર્વે ભારતને તેના ચાર ફાસ્ટ બોલર પર મદાર હતો, પરંતુ એમાંના પ્રસિદ્ધ કૃષ્ણા અને ઠાકુરની બોલિંગ નબળી રહી હતી, જેનો ફાયદો એલ્ગર અને યાનસને ઉઠાવ્યો. બંનેએ સાતમી વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી હતી. યાનસનનો ટેસ્ટ કારકિર્દીનો આ હાઈએસ્ટ સ્કોર છે. મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી છે. ઠાકુર, કૃષ્ણા અને ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક-એક બેટરને આઉટ કર્યો છે.