ક્વીન્સલેન્ડઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો વચ્ચે અહીંના કરારા ઓવલ મેદાન પર ગુલાબી રંગના બોલથી પહેલી જ વાર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે મેચના બીજા દિવસે ભારતની ઓપનર સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી હતી. મુંબઈનિવાસી અને 25 વર્ષની મંધાના ગઈ કાલે પહેલા દિવસની રમતને અંતે 80 રન સાથે નોટઆઉટ હતી. આજે તેણે વધુ 20 રન કરીને સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર સ્મૃતિ ભારતની પહેલી મહિલા ક્રિકેટર બની છે. આ ડાબોડી બેટરે 171 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની પહેલી જ સદી છે.
આજે વરસાદે મેચ અટકાવી ત્યારે ભારતીય મહિલા ટીમે પહેલા દાવમાં પાંચ વિકેટે 276 રન કર્યા હતા. સ્મૃતિ મંધાના 127 રન કરીને આઉટ થઈ હતી. તેનાં 216 બોલના દાવમાં 22 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. શેફાલી વર્મા 31, પૂનમ રાઉત 36, કેપ્ટન મિતાલી રાજ 30, યસ્તિકા ભાટિયા 19 રન કરીને આઉટ થઈ હતી. દીપ્તિ શર્મા અને વિકેટકીપર તાન્યા ભાટિયા દાવમાં હતી.
સ્મૃતિ મંધાનાને ઓસ્ટ્રેલિયામાં રમાતી મહિલા બિગ બેશ લીગ સ્પર્ધામાં સિડની થન્ડર ટીમે આ વખતની મોસમ માટે કરારબદ્ધ કરી છે. આ ટીમે ગયા વર્ષે વિજેતાપદ હાંસલ કર્યું હતું. આ વખતની સ્પર્ધા આવતા મહિનાથી શરૂ થવાની છે.