કોલકાતા – ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે જણાવ્યું છે કે એને જ્યારે આરામ કરવાની જરૂર લાગશે ત્યારે એ માટે જણાવશે.
એવા અહેવાલો હતા કે કોહલીએ ઘરઆંગણે શ્રીલંકા સામેની સિરીઝની બીજી ટેસ્ટ મેચ બાદ સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ માટે તેમજ ત્યારબાદ એ જ ટીમ સામે રમાનાર વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ માટે પોતાને આરામ આપવાની પસંદગીકારોને વિનંતી કરી છે.
રાષ્ટ્રીય વડા પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદે જો કે આ બધી વાતોને અફવા કહીને ફગાવી દીધી છે. એમણે કહ્યું છે કે કોહલીએ કહ્યું છે કે પોતે શ્રીલંકા સામેની ત્રણેય ટેસ્ટ મેચો માટે રમવા માટે ઉપલબ્ધ છે અને સિરીઝ પૂરી થઈ ગયા બાદ જ એને આરામ આપવા વિશે પસંદગીકારો વિચારશે.
શ્રીલંકા સામે આવતીકાલથી અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર સિરીઝની પહેલી ટેસ્ટ મેચ રમાવાની છે. એની પૂર્વસંધ્યાએ આજે સ્ટેડિયમ ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કોહલીએ જણાવ્યું હતું કે, મને પણ આરામની જરૂર છે એ વાત ખરી છે. મને શા માટે એની જરૂર ન પડે? પણ મને જ્યારે લાગશે કે મારા શરીરને આરામ આપવાની જરૂર છે ત્યારે હું એ માટે જણાવીશ. હું કંઈ રોબોટ નથી. તમે મારી ચામડી પર કાપ મૂકી જુઓ, એમાંથી લોહી નીકળશે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને શ્રીલંકા સામેની સિરીઝની પહેલી બે ટેસ્ટ મેચ માટે આરામ આપવામાં આવ્યો હોવાથી ટીમ પર વધી જનાર બોજાને તમે કેવી રીતે સંભાળશો? એવા સવાલના જવાબમાં કોહલીએ કહ્યું કે જે ખેલાડીઓ મેદાનમાં વધારે મહેનત કરતા હોય છે એમને આરામની જરૂર રહેતી હોય છે અને કોઈક વાર એવી સ્થિતિને બધા લોકો સમજી શકતા નથી. તમામ ક્રિકેટરો વર્ષમાં ૪૦ મેચો રમતા હોય છે. જે ત્રણ ખેલાડીને આરામ આપવામાં આવે એમનો બોજો મેનેજ કરવો જ પડે. ૧૧ ખેલાડીઓ મેચ રમતા હોય છે, પણ કોઈ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં દરેક ખેલાડીને ૪૫ ઓવર રમવાની આવતી નથી હોતી કે દરેકને કોઈ ટેસ્ટ મેચમાં ૩૦-૩૦ ઓવર ફેંકવાની આવતી નથી.