પહેલી ટેસ્ટઃ લકમલની આગઝરતી સ્વિંગ બોલિંગ સામે ભારતનો ટોપ-ઓર્ડર ધ્વસ્ત

કોલકાતા – શ્રીલંકા સામે આજથી અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર શરૂ થયેલી પહેલી ટેસ્ટ મેચમાં વરસાદે મોટું વિઘ્ન નાખીને રમતનો ઘણો ખરો ભાગ ધોઈ નાખ્યો હતો તો બીજી બાજુ, શ્રીલંકાના ફાસ્ટ બોલર સુરંગા લકમલે જોરદાર ઝંઝાવાતી સ્વિંગ બોલિંગ કરીને ભારતના ટોપ-ઓર્ડરના ભૂક્કા બોલાવી દીધા હતા. પહેલા દિવસની રમતને ઝાંખા પ્રકાશને કારણે વહેલી પડતી મૂકી દેવાઈ ત્યારે ભારતે એના પહેલા દાવમાં 3 વિકેટના ભોગે 17 રન કર્યા હતા. ત્રણેય વિકેટ લકમલે લીધી છે.

ભારતે લોકેશ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલી, બંનેને ઝીરો પર ગુમાવી દીધા છે તો શિખર ધવન માત્ર આઠ રન કરી શક્યો હતો.

ચેતેશ્વર પૂજારા 8 રન સાથે દાવમાં હતો જ્યારે અજિંક્ય રહાણેએ હજી ખાતું ખોલાવાયું નહોતું.

શ્રીલંકાની ટીમના ફાસ્ટ બોલિંગ કોચ રૂમેશ રત્નાયકેએ લકમલની બોલિંગના ખૂબ વખાણ કર્યા છે.

વરસાદને કારણે મેદાનનું આઉટફિલ્ડ ભીનું હોવાથી મેચ મોડી શરૂ કરાઈ હતી. શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંદીમલે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

લકમલે છ ઓવર ફેંકી હતી અને બધી મેડન ગઈ હતી અને એમાં એણે ત્રણ વિકેટ ઝડપી હતી.

રત્નાયકેએ કહ્યું કે મેં ઘણા લાંબા સમય બાદ આટલી સરસ ફાસ્ટ બોલિંગ જોઈ છે. પીચ ફાસ્ટ બોલિંગને મદદરૂપ થાય એવી છે. અમને ખબર હતી કે આ પીચ પર બોલ સ્વિંગ થશે જ.

લોકેશ રાહુલને તો લકમલે મેચના પહેલા જ બોલે આઉટ કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]