ભાજપ કોંગ્રેસ દ્વારા યાદી જાહેર ન થતાં ઉમેદવારોના જીવ તાળવે

અમદાવાદ– ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 14 નવેમ્બરથી ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે, અને નામની યાદી પણ ફાઈનલ કરી દીધી છે. તેમ છતાં હજી સુધી ભાજપ કે કોંગ્રેસે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી નથી. જેથી દાવેદાર ઉમેદવારોના જીવ તાળવે ચોટી ગયા છે.ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની દિલ્હીમાં બેઠક મળી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં લાંબી ચર્ચાને અંતે ઉમેદવારોના નામ ફાઈનલ કરાયાં છે. પણ જાહેર થયા નથી. દિલ્હીમાં પાર્ટીની બેઠક પછી કેન્દ્રીય પ્રધાન જે પી નડ્ડાએ કહ્યું હતું કે ગુજરાત ચૂંટણી માટે મોટાભાગના ઉમેદવારોના નામો પર ચર્ચા થઈ ગઈ છે. યોગ્ય સમય પર જાહેર કરાશે.

બીજી તરફ કોંગ્રેસે પણ હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા, કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં તમામ 89 ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સત્તાવાર જાહેરાત કરી હતી કે અમે 16 નવેમ્બરે પ્રથમ યાદી જાહેર કરીશું, જો કે ત્યાર પછી નવા સમાચાર આવ્યાં હતાં કે કોંગ્રેસ 18-19 નવેમ્બરે યાદી જાહેર કરશે. વળી છેલ્લે એવા ન્યૂઝ છે કે કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક ફરીથી બોલાવામાં આવી છે, અને તેમાં અલ્પેશ ઠાકોરને બેઠકમાં હાજર રહેવા કહેવાયું છે. એટલે કે અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સમાજના નામની ભલામણ કરાશે અને મત વિસ્તારની ચર્ચા કરશે. કોને કેટલી ટિકીટ આપવી તે અંગે હજી અસમંજસ છે. હજી હાર્દિક પટેલની અનામત મુદ્દે ચર્ચામાં લોચો છે. પાટીદાર અનામત મુદ્દે કોંગ્રેસ દ્વારા કોઈ નક્કર વાત બહાર આવી નથી.

હાલ હાર્દિક પટેલના સેક્સ વિડિયો અને સીડી વાયરલ થઈ રહી છે. જેથી ભાજપ અને કોંગ્રેસનું ધ્યાન આ વિષય પર ડાયવર્ટ થયું છે.

ભાજપ અને કોંગ્રેસ પાટીદારોના અનામત આંદોલન અને ઠાકોર સમાજના આંદોલન તેમજ દલિત સમાજના વિરોધ પછી જ્ઞાતિ આધારિત સમીકરણોનો ખ્યાલ રાખીને ઉમેદવારોના નામ નક્કી કરશે. જો કે હાલ તો ભાજપે જાહેરાત કરી છે કે તે વિકાસના મુદ્દા પર ચૂંટણી લડશે. પણ સ્થાનિક લેવલે જાતિ આધારિત સમીકરણો ગોઠવવા પડે તેમ છે. આથી ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોના નામની જાહેરાતમાં પહેલે આપ… પહેલે આપ… જેવી સ્થિતિ સર્જાઈ છે.

અહેવાલ-ભરત પંચાલ