શુભમન ગિલ ભારતનો ભાવિ કેપ્ટન છેઃ હરભજનસિંહ

ચંડીગઢઃ ઝિમ્બાબ્વેને તેની જ ધરતી પર 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 3-0થી હરાવીને ટીમ ઈન્ડિયાએ એક વધુ ક્લીન-સ્વીપ વિજય હાંસલ કર્યો છે. ગઈ કાલે હરારે શહેરમાં રમાઈ ગયેલી ત્રીજી અને શ્રેણીની આખરી વન-ડે મેચમાં ભારતે ગૃહ ટીમને 13-રનથી પરાજય આપ્યો હતો. ભારતે તેના હિસ્સાની 50 ઓવરમાં 8 વિકેટે 289 રન કર્યા હતા. તેના જવાબમાં, ઝિમ્બાબ્વેની ટીમ 49.3 ઓવરમાં 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના દાવમાં 97 બોલમાં, 15 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 130 રન ફટકારનાર શુભમન ગિલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તેમજ ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. ઝિમ્બાબ્વેના દાવ વખતે ગિલે બે કેચ પણ પકડ્યા હતા.

ગિલના બેટિંગ દેખાવની ભૂતપૂર્વ ઓફ્ફ-સ્પિનર હરભજનસિંહે ખૂબ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ગિલમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવી બેટિંગ કરવાની ગુણવત્તા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં હરભજનસિંહે કહ્યું કે, ‘શુભમન ગિલની બેટિંગ ટેકનિક સરસ છે અને એ કાળજીપૂર્વક ફટકા મારે છે. એને બેટિંગ કરતો જોવાની મજા આવે છે. ગિલ ભવિષ્યમાં ભારતીય ટીમનો કેપ્ટન પણ બની શકે છે. એ બેટિંગ ક્ષમતા તો પ્રાપ્ત કરી લીધી છે, હવે એણે સુકાનીપદ વિશે પણ શીખવું જોઈએ.’ હરભજનસિંહે કહ્યું કે, 2017માં પોતે જ્યારે પંજાબની રણજી ટ્રોફી ટીમનો કેપ્ટન હતો ત્યારે રાજ્યના પસંદગીકારોએ એને કહ્યું હતું કે 17-વર્ષનો એક છોકરો સારી બેટિંગ કરે છે, ટેલેન્ટેડ છે. આપણે એને આ વર્ષે પછીથી રણજી ટ્રોફીમાં રમાડીશું. ત્યારે હરભજને એમને કહ્યું હતું જો એ ટેલેન્ટેડ છે તો પછીથી શા માટે, અત્યારે જ શા માટે નહીં? અને હરભજનના કહેવાથી પસંદગીકારોએ શુભમનને વિજય હઝારે ટ્રોફી સ્પર્ધા માટે પંજાબની ટીમમાં સામેલ કરી દીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]