શ્રેયસ અય્યરની BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટ થશે વાપસી, જાણો અન્ય ખેલાડીઓનું શું?

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા, જેમણે પોતાની કેપ્ટનશીપ હેઠળ T-20 વર્લ્ડ કપ 2024 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતાડી, તેમજ વિરાટ કોહલી BCCIના 2024-25 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ ગ્રેડમાં જ રહેશે. BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને ખેલાડીઓએ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હોવા છતાં, તેમનું A+ ગ્રેડ જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત, શ્રેયસ અય્યર પણ આ લિસ્ટમાં પુનરાગમન કરવા જઈ રહ્યો છે.

રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ જીત્યા બાદ આ ફોર્મેટને અલવિદા કહ્યું હતું, જ્યારે વિરાટ કોહલીએ પણ તે જ મેચ બાદ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે, BCCI માને છે કે આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમની સફળતામાં અણમોલ યોગદાન આપ્યું છે. તેથી, ટી20માંથી રિટાયરમેન્ટ છતાં તેમને A+ ગ્રેડમાં રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરી 2024માં જાહેર થયેલા લિસ્ટમાં રોહિત, વિરાટ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા A+ ગ્રેડમાં સામેલ હતા, અને આ ચારેયનું સ્થાન અકબંધ રહેવાની શક્યતા છે. શ્રેયસ અય્યરને ગયા વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ ન લેવાના કારણે BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત કર્યો હતો. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તેણે 5 ઈનિંગમાં 243 રનનું શાનદાર પ્રદર્શન કરીને ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો. આ પ્રદર્શનના આધારે તે હવે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પાછો ફરવા માટે તૈયાર છે. બીજી તરફ, ઈશાન કિશનનું નસીબ આ વખતે પણ બદલાય તેવું લાગતું નથી. 2023 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ગેરહાજર રહેલા ઈશાનને ગયા વર્ષે અય્યરની સાથે બહાર કરાયો હતો અને આ વખતે પણ તે લિસ્ટમાં સ્થાન નહીં મેળવે તેવી શક્યતા છે.

2023-24નું BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ

ગ્રેડ A+: રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા
ગ્રેડ A: આર. અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા
ગ્રેડ B: સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ
ગ્રેડ C: રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દૂબે, રવિ બિશ્નોઈ, જિતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન, રજત પાટીદાર
2024-25નું નવું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે, જેમાં રોહિત, વિરાટ અને અય્યરનું સ્થાન નિશ્ચિત મનાય છે.