તેંડુલકરે વૃદ્ધાશ્રમમાં જઈ મહિલાઓ સાથે કેરમ રમીને ‘રાષ્ટ્રીય ખેલદિવસ’ ઉજવ્યો

મુંબઈ – દંતકથા સમાન બેટ્સમેન અને ભારત રત્ન સમ્માનિત સચીન તેંડુલકરે આજનો રાષ્ટ્રીય ખેલકૂદ દિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો છે. તેઓ અત્રે બાન્દ્રા ઉપનગરમાં આવેલા એક વૃદ્ધાશ્રમમાં ગયા હતા અને ત્યાંની મહિલા રહેવાસીઓને મળ્યા હતા.

તેંડુલકર સેન્ટ એન્થનીઝ ઓલ્ડ એજ હોમ ખાતે રહેતી વૃદ્ધ મહિલાઓ સાથે કેરમ રમ્યા હતા અને એમનાં આશીર્વાદ મેળવ્યા હતા.

મહિલાઓ સાથે કેરમ રમતાં તેંડુલકરે પોતાનો 45-સેકંડનો વિડિયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડિયોમાં તેંડુલકર મહિલા રહેવાસીઓ સાથે આનંદથી વાતો કરતાં પણ જોઈ શકાય છે.

સચીને ટ્વીટમાં લખ્યું છે કે આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું જ કહ્યું છે, ખેલકૂદ અને શારીરિક સુસજ્જતા સર્વને માટે.

આવી જ રીતે, વિશ્વવિખ્યાત મહિલા બોક્સર મેરી કોમે પણ એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે જેમાં તેઓ એક બીચ પર પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

અગાઉ સવારે, વડા પ્રધાન મોદીએ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી નેશનલ સ્ટેડિયમ ખાતે ફિટ ઈન્ડિયા ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો અને નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ એમના રોજિંદા જીવનમાં રમતગમત અને ફિટનેસને મહત્ત્વ આપે.