અમે ધોનીની અવગણના કરી નથી, એણે જ અમને ટીમની રચના માટે સમય આપ્યો છેઃ પસંદગીકારની સ્પષ્ટતા

મુંબઈ – ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણી માટે રાષ્ટ્રીય પસંદગીકારોએ ભારતીય ટીમની જાહેરાત કર્યા બાદ એમની પર ટીકાની ઝડી વરસાવવામાં આવી રહી છે, કારણ કે ટીમમાં અનુભવી વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પસંદગી ન કરાવાથી ઘણા પ્રશંસકો નારાજ થયા છે.

પરંતુ, એક સિલેક્ટરે આજે ખુલાસો કર્યો છે કે ધોનીએ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં નિર્ધારિત વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધા માટે ભારતીય ટીમની રચના કરવા માટે અમને પાંચ સિલેક્ટરોને સમય આપ્યો છે અને વચન આપ્યું છે કે એને જેવું લાગશે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય હવે સુરક્ષિત હાથોમાં છે ત્યારે એ પોતાની કારકિર્દી અંગે આખરી નિર્ણયની જાહેરાત કરશે.

એક મુલાકાતમાં આ પસંદગીકારે કહ્યું કે ધોનીની સ્થિતિ અંગે દરરોજ ચર્ચા થતી જોવા મળે છે તેથી એના વિશેની અફવાનું ખંડન કરવાની જરૂર છે, કારણ કે ધોની એવો ખેલાડી છે જે પોતે એના ટીકાકારોને વળતો જવાબ નહીં આપે.

ધોનીની અવગણના કરવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. વાસ્તવમાં વાત એમ છે કે ધોનીએ જ અમને સમય આપ્યો છે કે અમે આવતા વર્ષની વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધાને લક્ષમાં રાખીને ભારતીય ટીમની રચના કરે. ધોનીને ખબર છે કે ધારો કે રિષભ પંતને ટૂંકી ફોર્મેટમાં કોઈ ઈજા થાય તો આપણી પાસે એની જગ્યાએ બીજો કોઈ રેગ્યૂલર વિકેટકીપર નથી. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પૂર્વે જ ધોનીએ અમને કહ્યું હતું કે એને બે મહિનાનો બ્રેક જોઈએ છે.

દક્ષિણ આફ્રિકા સામેની આગામી T20 ઈન્ટરનેશનલ મેચો માટેની ભારતીય ટીમ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે.એલ. રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ એહમદ, દીપક ચહલ અને નવદીપ સૈની.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]