તરુણવયે વિદુષી (નયના જયસ્વાલ)…

ટેબલ ટેનિસની રમતમાં રાષ્ટ્રીય ચેમ્પિયન બનેલી નયના જયસ્વાલ 17 વર્ષની ઉંમરે ‘પીએચ.ડી.’ કરે છે અને મોટિવેશનલ લેક્ચર્સ પણ આપે છે!

તેજસ્વી વિદ્યાર્થી ક્યારેક એક વર્ષમાં આગલા ધોરણની પરીક્ષા એકસાથે પાસ કરીને ઊપલા ધોરણમાં દાખલ થાય એવું બને છે ખરું, પણ બહુ ઓછું.

હૈદરાબાદની તેજસ્વી વિદ્યાર્થિની નયના જયસ્વાલ સાથે એવું જ બન્યું છે. નયના માત્ર ૧૭ વર્ષની છે. હાલ એ પીએચ.ડી. કરી રહી છે. એનો દાવો છે કે પીએચ.ડી. કરતી દેશની સૌથી નાની વયની એ વિદ્યાર્થિની છે.

નયનાનો જન્મ હૈદરાબાદમાં. પિતા અશ્વની શિક્ષણ અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માતા ભાગ્યલક્ષ્મીએ માઈક્રોબાયોલૉજી સાથે એમ.એસસી. કર્યું છે. નાનો ભાઈ અગસ્ત્ય સ્કૂલમાં અભ્યાસ કરે છે. નયનાની સિદ્ધિ જોઈ દેશ-વિદેશના લોકો એને મોટિવેશનનાં લેક્ચર માટે આમંત્રણ આપે છે. થોડા દિવસ પહેલાં વડોદરામાં જી-૬ સંસ્થા દ્વારા નયનાનું મોટિવેશન પર લેક્ચર યોજવામાં આવેલું. એ લેક્ચર બાદ નયના સાથે થયેલી મુલાકાતના કેટલાક અંશ…

નયના પ્રિયદર્શિનીને કહે છે: ‘બાળપણથી મને ભણવામાં ખૂબ રુચિ… ત્રણ વર્ષની ઉંમરે શબ્દો વાંચતી થઈ ગઈ હતી. નિયમ પ્રમાણે ૫ાંચ વર્ષની ઉંમરે મેં સ્કૂલમાં ઍડ્મિશન લીધું. સ્કૂલમાં આરંભથી જ મારો પહેલો નંબર આવતો. આખા વર્ષનો અભ્યાસક્રમ હું ગણતરીના મહિનામાં પૂરો કરી દેતી. બીજા ધોરણની વાર્ષિક પરીક્ષા પણ એકસાથે પાસ કરી દેતી. એ માટે પપ્પા-મમ્મીનો પૂર્ણ સાથ-સહકાર મળતો. એને કારણે માત્ર આઠ વર્ષની ઉંમરે મેં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા પાસ કરી. દસ વર્ષની ઉંમરે ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા પાસ કરી. એ પછી ઉસ્માનિયા યુનિવર્સિટીમાં ઍડ્મિશન લીધું. પછી ફક્ત ત્રણ વર્ષમાં સ્નાતકની ડિગ્રી મેળવી. એ સમયે મારી ઉંમર માંડ ૧૩ વર્ષની હતી! એ પછી બે વર્ષ માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કર્યો. પંદર વર્ષની ઉંમરે પોલિટિકલ સાયન્સ સાથે માસ્ટર ડિગ્રી હાંસલ કરી. હાલ રિસર્ચ ગાઈડમાં માર્ગદર્શન હેઠળ રોલ ઑફ વીમેન ઈન માઈક્રો ફાઈનાન્સ વિષય સાથે પીએચ.ડી. કરી રહી છું.’

અભ્યાસમાં રુચિ રાખતા તેજસ્વી વિદ્યાર્થી રમતગમતથી દૂર રહે છે. નયનાની બાબતમાં ઊલટું છે. નયના ટેબલ ટેનિસ રમતની નૅશનલ ચૅમ્પિયન છે. ૨૦૧૪માં સાઉથ એશિયન ચૅમ્પિયનશિપ પાકિસ્તાનમાં યોજાયેલી, જેમાં નયનાએ બે ગોલ્ડ મેડલ હાંસલ કરેલા. આજે પણ રોજ સવારે બેથી અઢી કલાક એ ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરવા નિયમિત જાય છે. નયનાને રામાયણના ૧૦૮ શ્ર્લોક કંઠસ્થ છે ઉપરાંત એ બન્ને હાથે લખી શકે છે. સાથે અંગ્રેજી આલ્ફાબેટના એ ટુ ઝેડ અક્ષર માત્ર બે સેકન્ડમાં ટાઈપ કરી શકે છે.

નયના કહે છે: ‘બે વર્ષમાં સ્વીડન, અમેરિકા, ચીન, દુબઈ, પાકિસ્તાન, ઈરાન, સિંગાપોર, વગેરે દેશમાં મોટિવેશન લેક્ચર આપ્યાં છે. હવે ઈ-યુગમાં નારી અબળા રહી નથી. એ દરેક ક્ષેત્રમાં સર્વોત્તમ યોગદાન આપી શકે છે-આપે છે.’

(અહેવાલઃ ગોપાલ પંડ્યા)