રિચર્ડ્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝની નામોશીઃ ભારતે પહેલી ટેસ્ટમાં 318 રનથી હરાવ્યું

નોર્થ સાઉન્ડ (એન્ટિગા) – ભારતના ત્રણ ફાસ્ટ બોલરોએ ગઈ કાલે અહીંના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને બીજા દાવમાં માત્ર 100 રનમાં ઓલઆઉટ કરીને દેતાં ભારતે મેચ 318 રનના માર્જિનથી જીતી લીધી હતી. બે-મેચની સીરિઝમાં ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

બીજી અને સીરિઝની આખરી ટેસ્ટ મેચ 30 ઓગસ્ટથી જમૈકામાં રમાશે. આ ટેસ્ટ મેચ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહેલી હતી.

ભારતે ગઈ કાલે મેચના ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝને જીત માટે 419 રનનો ટાર્ગેટ આપ્યો હતો. એને ચેઝ કરવા જતાં વેસ્ટ ઈન્ડિઝનો જબ્બર ધબડકો થયો હતો. માત્ર 15 રનમાં 5 અને 50 રનના સ્કોર પર તો 9 વિકેટ પડી ગઈ હતી. પરંતુ 9મા નંબરે આવેલા કીમાર રોશે ફટકાબાજી કરતાં ટીમ 100નો આંક જોઈ શકી હતી. કીમાર રોશે 31 બોલનો સામનો કર્યો હતો અને એક ચોગ્ગો, પાંચ છગ્ગા સાથે 38 રન કર્યા હતા. 11મો ખેલાડી માઈગેલ કમિન્સ 22 બોલ રમીને 19 રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. એણે એક છગ્ગો અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ બે જણની લડતને કારણે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર ત્રણ આંકે પહોંચ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝના દાવનો ઘડોલાડવો કરવામાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આગેવાની લીધી હતી. એણે 8 ઓવરમાં 7 રનમાં પાંચ વિકેટ લીધી હતી. ઈશાંત શર્માએ 9.5 ઓવરમાં 31 રનમાં 3 અને મોહમ્મદ શમીએ 5 ઓવરમાં 13 રનમાં 2 વિકેટ લીધી હતી.

અગાઉ, ભારતે તેનો બીજો દાવ 7 વિકેટે 343 રને ડિકલેર કર્યો હતો. અજિંક્ય રહાણેએ 102 રન કર્યા હતા. હનુમા વિહારી 93 રન પર આઉટ થતાં કારકિર્દીની પહેલી સદી ફટકારવાથી વંચિત રહી ગયો હતો. એના આઉટ થતાવેંત કેપ્ટન વિરાટ કોહલીએ દાવ ડિકલેર કરી દીધો હતો. ભારતે વિન્ડીઝ પર પહેલા દાવમાં 75 રનની લીડ મેળવી હતી.

રહાણેએ પહેલા દાવમાં 81 રન કર્યા હતા. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. રહાણેએ છેલ્લા બે વર્ષમાં આ પહેલી સદી ફટકારી છે જ્યારે કારકિર્દીમાં દસમી સદી છે. પહેલા દાવમાં 9 રન કરનાર કેપ્ટન કોહલીએ બીજા દાવમાં 51 રન કર્યા હતા. રહાણે અને વિહારીએ બીજા દાવમાં પાંચમી વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]