સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહીંના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર રમાતી પહેલી ટેસ્ટ મેચમાં બીજો-આખો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હોવા છતાં મેચમાં પરિણામ આવશે. ભારતનો બીજો દાવ આજે ચોથા દિવસે 174 રનમાં પૂરો થઈ ગયા બાદ ગૃહ ટીમને જીત માટે 305 રનનો ટાર્ગેટ મળ્યો છે.
આજે ચોથા દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકાએ તેના બીજા દાવમાં ચાર વિકેટે ૯૪ રન કર્યા હતા. આવતી કાલે છેલ્લા દિવસ છ, ગૃહ ટીમને જીત માટે ૨૧૧ રનની જરૂર છે જ્યારે ભારતના બોલરો બાકીની ૬ વિકેટ લેવા તૂટી પડશે. બુમરાહ બે, જ્યારે શમી અને સિરાજ એક-એક વિકેટ લઈ ચૂક્યા છે. ત્રણ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ ૩ જાન્યુઆરીથી જોહાનિસબર્ગમાં રમાશે.
દક્ષિણ આફ્રિકાની ટીમ ઘરઆંગણે માત્ર એક જ વાર ચોથા દાવમાં 300થી વધુ રન કરીને ટેસ્ટ મેચ જીતી શકી છે. 2001-02માં ડરબનમાં દક્ષિણ આફ્રિકાએ 335 રન કરીને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. એવી જ રીતે, ભારત સામે 300થી વધુ રન કરીને કોઈ ટીમ ટેસ્ટ મેચ જીતી હોય એવું માત્ર એક જ વાર બન્યું છે – 1977-78માં, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પર્થમાં 339 રન કરીને ભારતને હરાવ્યું હતું.
હાલની ટેસ્ટ મેચમાં, ભારતના પહેલા દાવના 327 રનના જવાબમાં યજમાન ટીમ તેના પહેલા દાવમાં 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો પાંચ-વિકેટનો તરખાટ ભારતના વળતા પ્રહારની વિશેષતા રહ્યો હતો. શમીએ 16 ઓવરમાં 44 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. 130-રનની લીડ મેળવનાર ભારતનો બીજો દાવ નબળો રહ્યો હતો. વિકેટકીપર રિષભ પંતના 34 રનના બેસ્ટ ઈનિંગ્ઝ સ્કોર સાથે ભારત 50.3 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જમોડી ફાસ્ટ બોલર કેગીસો રબાડા અને ડાબોડી ફાસ્ટ બોલર માર્કો જેન્સને 4-4 વિકેટ ઝડપીને ભારતનો બીજો દાવ સસ્તામાં સમેટાવી દીધો હતો. દક્ષિણ આફ્રિકાને બીજા દાવની શરૂઆતમાં ફટકો મારનાર પણ શમી જ હતો. એણે ઓપનર એઈડન મારક્રમ (1)ને ક્લીન બોલ્ડ કરી દીધો હતો.