નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ ટીમે આઈપીએલ-2020માં વિજેતા ટ્રોફી હાંસલ કરી. દુબઈમાં ગઈ કાલે રમાઈ ગયેલી ફાઈનલમાં એણે દિલ્હી કેપિટલ્સને પાંચ-વિકેટથી હાર આપી હતી. રોહિત શર્માના નેતૃત્ત્વની આ સફળતા જોઈને ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે એને મર્યાદિત ઓવરોવાળી ફોર્મેટમાં ભારતની ટીમનો કેપ્ટન બનાવવો જોઈએ.
ગંભીરે એમ પણ કહ્યું છે કે જો રોહિતને ODI, T20I ટીમોનો કેપ્ટન બનાવીને એને તેની કાબેલિયત પુરવાર કરવાનો મોકો આપવામાં નહીં આવે તો એ ભારતનું જ નુકસાન ગણાશે.
ગંભીરે એમ પણ કહ્યું કે રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ આઈપીએલ ટાઈટલ્સ અપાવ્યા છે જ્યારે વિરાટ કોહલીએ એના સુકાનીપદ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમને હજી સુધી એકેય વિજેતાપદ અપાવ્યું નથી. રોહિત અને વિરાટના નેતૃત્ત્વ કૌશલ્યમાં ઘણો ફરક છે. રોહિતે સાબિત કરી આપ્યું છે કે પોતે શ્રેષ્ઠ છે.