મુંબઈઃ મેચ દરમિયાન મેદાન પર કોઈ સાથી ખેલાડી ભૂલ કરે તો રોહિત શર્મા કેવા આકરા પ્રત્યાઘાત દર્શાવે છે એ ભારતના ક્રિકેટપ્રેમીઓ સારી રીતે જાણે છે. મેદાન પર રોહિત શર્મા પોતાની લાગણી ત્વરિત વ્યક્ત કરી દેતો હોય છે. રન લેતી વખતે ધીમી ગતિએ દોડવા બદલ ચેતેશ્વર પૂજારા જેવા અનુભવી બેટરને અને યુઝવેન્દ્ર ચહલ જેવા જુનિયર ખેલાડીઓને રોહિતના ગુસ્સાનો સામનો કરવો પડી ચૂક્યો છે.
ભારતના ઉભરતા ક્રિકેટસિતારા અને આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં રોહિતના સાથી ખેલાડી ઈશાન કિશનને પણ એનો અનુભવ થઈ ચૂક્યો છે. યૂટ્યૂબ ચેનલ પરના શો – ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’માં એક મુલાકાત વખતે કિશને જણાવ્યું હતું કે, ‘રોહિત મેદાન પર હોય ત્યારે બેધ્યાન રહેતા સાથી ખેલાડીઓને એ બહુ જ ગાળો દેતો હોય છે. જોકે રોહિત એ માટે તરત જ માફી માગી લેતો હોય છે અને કહી દે કે ‘માઠું લગાડવું નહીં, મેચમાં દબાણની પરિસ્થિતિમાં આવું બનતું હોય છે.’ રોહિત જોકે મેદાનની બહાર એકદમ શાંત સ્વભાવનો રહે છે.’