ગાબાઃ ક્રિકેટ જગતમાં રવિચંદ્રન અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કરીને સૌને ચોંકાવી દીધા છે. 14 વર્ષની કેરિયરમાં ભારતના આ દિગ્ગજ સ્પિનરે 537 વિકેટ લીધી છે. તે ભારત માટે બીજો સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે પત્રકાર પરિષદમાં સંન્યાસ લીધાની પુષ્ટિ કરી હતી.
38 વર્ષની વયે દિગ્ગજ સ્પિનરે આ નિર્ણય કર્યો હતો. બોર્ડર-ગાવસકર ટ્રોફી વચ્ચે તેનો આ નિર્ણય ટીમ ઇન્ડિયા માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
Jai Hind 🇮🇳. pic.twitter.com/Vt4ZdvDEDX
— Ashwin 🇮🇳 🧢 (@ashwinnravi99) December 18, 2024
રવિચંદ્રન અશ્વિને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આજે મારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનો છેલ્લો દિવસ હતો. એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હું હવે આ રમત સાથે જોડાયેલો નહીં રહું. પરંતુ હું ચોક્કસપણે આ રમત સાથે કોઈ ને કોઈ રીતે જોડાયેલો રહીશ. અશ્વિને તેની X પોસ્ટ પર લખ્યું હતું કે ઘણો વિચાર કર્યા પછી મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર, ભારતનું પ્રતિનિધિત્વ કરતી મારી અત્યાર સુધીની સફર અવિશ્વસનીય રહી છે. મારા સાથી ખેલાડીઓ, કોચ, BCCI અને ચાહકોના અતૂટ સમર્થન માટે આભાર. નવા પડકારો મારી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ હંમેશાં મારા હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખશે.
જોકે રવિચંદ્રન અશ્વિન હજુ પણ IPL રમવાનું ચાલુ રાખશે. ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSKએ તેને રૂ. 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જો તે 2025માં સારું પ્રદર્શન કરશે તો ચેન્નાઈની ટીમ તેને ફરીથી જાળવી રાખી શકે છે.
𝙏𝙝𝙖𝙣𝙠 𝙔𝙤𝙪 𝘼𝙨𝙝𝙬𝙞𝙣 🫡
A name synonymous with mastery, wizardry, brilliance, and innovation 👏👏
The ace spinner and #TeamIndia‘s invaluable all-rounder announces his retirement from international cricket.
Congratulations on a legendary career, @ashwinravi99 ❤️ pic.twitter.com/swSwcP3QXA
— BCCI (@BCCI) December 18, 2024
અશ્વિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ઓફ સ્પિનર અશ્વિને ટીમ ઈન્ડિયા માટે કુલ 287 મેચ રમી છે. જેમાંથી તેણે 106 ટેસ્ટ મેચમાં કુલ 537 વિકેટ લીધી છે. તેને 200 ઇનિંગ્સમાં બોલિંગ કરવાની તક મળી. તે 37 વખત પાંચ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે, જ્યારે 8 વખત તે મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેની શ્રેષ્ઠ બોલિંગમાં 59 રનમાં 7 વિકેટ અને મેચમાં 140 રનમાં 13 વિકેટ છે. આ સાથે જ તેણે 116 વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 156 વિકેટ લીધી છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે 65 મેચમાં 72 વિકેટ ઝડપી હતી.