મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની જ પસંદગી કરવામાં આવી છે. વાસ્તવમાં, શાસ્ત્રીએ આ પદ પોતાની પાસે જાળવી રાખ્યું છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ નિમેલી સલાહકાર સમિતિના વડા કપિલ દેવે આજે અહીં બીસીસીઆઈના મુખ્યાલય ખાતે યોજેલી સમિતિની બેઠકમાં શાસ્ત્રી (57)ને 2021માં ભારતમાં યોજાનાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા સુધી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ પદ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.
કપિલ દેવે બાદમાં પત્રકાર પરિષદમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.
સલાહકાર સમિતિમાં કપિલ ઉપરાંત અન્ય બે સભ્યો છેઃ ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર અંશુમન ગાયકવાડ અને ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન શાંતા રંગાસ્વામી.
હેડ કોચ પદ માટે બીસીસીઆઈએ અરજીઓ મગાવ્યા બાદ શાસ્ત્રી ઉપરાંત રોબિન સિંહ, લાલચંદ રાજપૂત, ટોમ મૂડી, માઈક હેસન અને ફિલ સિમન્સે અરજી કરી હતી. આ રેસમાંથી સિમન્સ છેલ્લી ઘડીએ હટી ગયા હતા એટલે પાંચ ઉમેદવાર વચ્ચે રસાકસી હતી. એ પાંચ જણમાંથી સલાહકાર સમિતિએ ત્રણ ઉમેદવારની પસંદગી કરી હતી – શાસ્ત્રી, હેસન અને મૂડી અને આખરે શાસ્ત્રીને જ ફરી પસંદ કરી લીધા હતા.
હેડ કોચ તરીકે શાસ્ત્રીની મુદત તાજેતરમાં સમાપ્ત થયેલી આઈસીસી ODI વર્લ્ડ કપ બાદ પૂરી થઈ હતી, પરંતુ ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને ધ્યાનમાં રાખીને તે 45 દિવસ માટે લંબાવી આપી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તો જાહેરમાં જ કહી દીધું હતું કે શાસ્ત્રી જ ફરી ટીમના હેડ કોચ બનવા જોઈએ.
તે છતાં આજે કપિલ દેવે પત્રકારોને કહ્યું કે નિર્ણય લેતી વખતે અમે ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે મસલત કરી નહોતી.
શાસ્ત્રીને માઈક હેસન અને ટોમ મૂડી તરફથી જોરદાર હરીફાઈનો સામનો કરવો પડ્યો હતો.
કપિલ દેવે કહ્યું કે હેડ કોચની પસંદગી કરવાનું અમારે માટે આસાન નહોતું. દરેક ઉમેદવાર તગડો હતો. દરેકનો ઈન્ટરવ્યૂ લીધા બાદ અમે ત્રણેય જણને 100 માર્ક્સ આપ્યા હતા. પણ એકબીજાને અમે એની જાણ કરતા નહોતા. દરેક ઈન્ટરવ્યૂ થઈ ગયા બાદ અમે તમામના માર્ક્સનું મૂલ્યાંકન કર્યું હતું અને એમાં શાસ્ત્રી અવ્વલ ઠર્યા હતા.